Gujarat News: આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ જ્યારે “રેડિયો અને ક્લાયમેટ ચેન્જના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો યુનિટી 90FM એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે કોમ્યુનિટી રેડિયો પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને તે સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી શકે છે. ગુજરાત (Gujarat ) ના એકતાનગર કે, જ્યાં વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઑફ યુનિટી Statue of Unity આવેલું છે, ત્યાંથી પ્રસારિત થતું આ રેડિયો સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિટી (એકતા), સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના વિઝનને સાકાર કરી રહ્યું છે.
રેડિયો યુનિટી 90FM: ક્લાઇમેટ ચેન્જ માટે કાર્યવાહી કરતો એક અવાજ
આ કોમ્યુનિટી રેડિયો પર ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણીય સંરક્ષણ માટેના પ્રયાસો અને ટકાઉ પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોમ્યુનિટી રેડિયોની નજીકમાં જ નર્મદા નદી વહે છે, તેમજ સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક પણ તેની પાસે જ સ્થિત છે, જેના થકી આ સ્ટેશન શ્રોતાઓને કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા અંગે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ સ્ટેશન પરથી પ્રસારિત થતા કાર્યક્રમોનું શેડ્યુલ વૈવિધ્યસભર છે, જે શ્રોતાઓની વિવિધ પ્રકારના રસ-રૂચિને આવરી લે છે.
અસરકારકતા અને નવીનીકરણનો વારસો
એકતાનગરમાં પ્રસારિત થતું રેડિયો યુનિટી ત્યાંના સ્થાનિક લોકોમાં એક મજબૂત સંદેશો આપે છે.ઉલ્લેખનીય છે કે, રેડિયો યુનિટી 90FMનું ઉદ્ઘાટન 15 ઓગસ્ટ, 2021ના રોજ કરવામાં આવ્યું હતું.તેને BECIL (બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટે) દ્વારા તૈયાર કરીને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન સ્થાનિક સમુદાયો અને એકતાનગર ખાતે આવતા મુલાકાતીઓ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે.એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અંતર્ગત લોકોમાં હેરિટેજ, પ્રવાસન અને રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ ફેલાવે છે. “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે)ના મૂલ્યોથી પ્રેરિત, આ સ્ટેશન રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને શ્રોતાઓને સરકારી યોજનાઓ, સ્થાનિક વિકાસ અને વારસા વિશેનું મૂલ્યવાન જ્ઞાન પ્રદાન કરે છે.
20-25 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં પહોંચ ધરાવે છે
રેડિયો યુનિટી સ્ટેશન 20-25 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં પહોંચ ધરાવે છે, તેમજ તેમની પાસે સમર્પિત રેડિયો જોકીઓની એક ટીમ પણ છે, જેની મદદથી આ સ્ટેશન સ્થાનિક લોકોના અવાજને, ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રેડિયો સ્ટેશનમાં કામ કરતી આરજે હેતલ અને આરજે નીલમ, જેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે ગાઇડની ભૂમિકામાંથી આજે રેડિયો પ્રેઝન્ટર બન્યા છે. તેઓ સ્થાનિક સમુદાયોને જોડવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે જાણીતા બન્યા છે.