Gujarat : aap-કોંગ્રેસના ગઠબંધનની બબાલ વચ્ચે ઈસુદાન ગઢવીનું સ્ફોટક નિવેદન

Ahemdabad : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની તાનાશાહી સામે લડી શકે અને ભાજપને હરાવી શકે તેવી તાકાત જો કોઈનામાં હોય તો તે આમ આદમી પાર્ટી છે. જો વિસાવદરની પેટા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં હાલ મજબૂતમાં મજબૂત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા છે. જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપમાં સોંપો પડી ગયો છે. વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો સ્વમાની છે અને ભાજપે ધારાસભ્યનું રાજીનામું અપાવીને વારંવાર આ ખેડૂતોનું અને વિસાવદરની જનતાનું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો હાલ એક થયા છે.

વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમી પાર્ટીને જીતાડશે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી મજબૂતીથી વિસાવદરની પેટા ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. રહી વાત ગઠબંધનની તો કોંગ્રેસે જે નિર્ણય લીધો છે તે તેમનો પોતાનો નિર્ણય છે. પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ ખૂબ જ સ્પષ્ટપણે નિર્ણય લઈને ચાલવાવાળી જનતા છે. ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ વિસાવદરથી ત્રણેય પાર્ટીઓ ચૂંટણી લડી હતી અને એ ચૂંટણીમાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને વિજય બનાવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વિસાવદરની જનતા ખૂબ જ ક્લિયર માઈન્ડ રાખીને ચાલી રહી છે. વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દાઓ છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે અને આવા અનેક મુદ્દાઓ ઉપર અત્યાર સુધી કોઈ કામ થતું ન હતું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા પછી વિસાવદરમાં મુખ્યમંત્રી લેવલથી રોડ રસ્તાના કામો ચાલુ કરવામાં આવ્યા, આ આમ આદમી પાર્ટીની તાકાત છે. અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમી પાર્ટીને જીતાડશે.

ગત ચૂંટણીમાં ‘આપ’ને આદિવાસી અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 25% વોટ મળ્યા હતા, આ સાબિતી છે કે ‘આપ’ ભાજપને હરાવી શકે છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીએ ગત ચુંટણીમાં કુલ 14% વોટ અને આદિવાસી અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 25% વોટ મેળવ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં હવે એક જ પાર્ટી છે જે ભાજપની સામે મજબૂતાઈથી લડી શકે તેમ છે અને ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવી શકે તેમ છે. હું આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરની જનતાને અપીલ કરું છું કે આ ચૂંટણીમાં તમારો એક પણ મત વેડફતા નહીં. મને પણ સ્પષ્ટપણે વિશ્વાસ છે કે ગુજરાતની અને વિસાવદરની જનતા હવે સ્પષ્ટ નિર્ણય કરીને બેઠી છે કે કોઈપણ રીતે ભાજપને હરાવો અને ભાજપની તાનાશાહીને ખતમ કરો.

 

Scroll to Top