Gujarat Goverment: બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરી એટલે વહાલનો દરિયો.દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓની 3 હજાર કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.
દીકરીઓને રૂ. 1,10,૦૦૦ ત્રણ હપ્તામાં ચૂકવાશે
રાજ્યમાં દિકરીને આગળ વધે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ શરૂ કર્યા હતા. જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા આગળ ધપાવી રહ્યાં છે. વર્ષ 2019થી કાર્યરત વહાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2019-20માં 12,622 દીકરીઓ,2020-21માં 32,042 દીકરીઓ,2021-22માં 69,903,2022-23માં 55,433, વર્ષ 2023-24માં 67,012 તથા વર્ષ 2024-25માં 41,649 દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. જે હેઠળ અત્યાર સુધીમાં 3 હજાર કરોડથી વધુની સહાયની મંજૂરી આપવામાં આવી છે.
3 હજાર કરોડથી વધુની સહાયને મંજૂરી
વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગષ્ટ 2019 પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરીકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. 1,10,000 ત્રણ હપ્તામાં ચૂકવાય છે.અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ.4000 ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ.6000 ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત VCE દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે.