Gujarat farmer: રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયા (pal ambaliya) એ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, રજિસ્ટ્રેશન થયેલા 3 લાખ 72 હજાર ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા યોગ્ય આયોજન સાથે 160 કેન્દ્રો પર રોજ 100 ખેડૂત લેખે 25 દિવસમાં ટાર્ગેટ પૂર્ણ કરવાની જગ્યાએ બે મહિને પણ 2 લાખ 70 હજાર મેટ્રીક ટન મગફળી ખરીદી કરી શક્યા નથી.જો આ ગતિએ ખરીદી ચાલુ રહી તો બાકી રહેતો 10 લાખ 30 હજાર મેટ્રિક ટનનો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે.
આ જ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે
પાલ આંબલિયા (pal ambaliya) એ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ 2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત સાથે 11 નવેમ્બર 2024 થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી હતી. રાજ્યમાં કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આજે બે મહિના વીતવા છતાં કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદી સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન જ મગફળી ખરીદી રાજ્ય સરકાર કરી શકી નથી. તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે ખેડૂતો ખુલ્લા માર્કેટમાં ઓછા ભાવે વેપારીઓને મગફળી વેચવા મજબુર થાય જેથી વેપારીઓ માલામાલ થાય અને ખેડૂતો પાયમાલ થાય.તે માટે ધીમી ગતિએ ખરીદી કરી રહ્યા છે.
ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાના આક્ષેપ
સરકાર ખરીદીની જાહેરાતો મુજબ અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ખેડૂતોની ખરીદાયેલ મગફળીના રૂપિયા એક અઠવાડિયામાં આપવાના વાયદામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે.કેટલાઈ એવા ખેડૂતો છે જેની મગફળી એક દોઢ મહિના પહેલા ટેકાના ભાવે ખરીદાઈ ગયેલ હોવા છતાં, દોઢ – દોઢ મહિનાનો સમય વીતવા છતાં આજે પણ એમને રૂપિયા મળ્યા નથી. ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ઝડપ વધારવામાં આવે અને ખેડૂતોને વિના વિલંબે તેમના રૂપિયા આપવામાં આવે.તેવી પત્રમાં માંગ કરી હતી.