Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો અને તેર તૂટે તેવી સ્થિતિ છે. હાલમાં જ અધિવેશન પુરુ થયું અને કોંગ્રેસના નેતાઓમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો. કોંગ્રેસના મોટા નેતાઓ રસ્તા પર ઉતર્યા અને આ 40થી 43 ડિગ્રીની ગરમીમાં વિરોધ કરતા દેખાયા. જોકે આ તમામ વાતોની વચ્ચે ગુજરાત કોંગ્રેસના કેટલાક વોટ્સએપ ગ્રુપ અને સાથે સોસીયલ મીડિયામાં એક મેસેજ હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મેસેજમાં કોંગ્રેસ નેતાઓની સામે કાર્યકરો ખુલીને બોલી રહ્યા છે. જેની શરૂઆત જ રાહુલ ગાંધીએ આપેલા સુત્રથી થાય છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા શબ્દ શહઃ મેસેજ વાંચો…
*રાહુલ ગાંધીજીના “ડરો મત’’ ના નારા પછી કોગ્રેસી કાર્યકરો ખુલીને વાચાળ થયા છે
રાહુલ ગાંધીજીનો જાહેર મંચથી સંબોધન – રેસના ઘોડા અને લગ્નના ઘોડાને જુદા પાડવાની વાત અને બીજેપીના સ્લીપર સેલ તરીકે કામ કરતા ૩૦ વરસથી કોંગ્રેસ પર કબજો જમાવી બેઠેલા લોકોથી મુક્તિનું આહવાન કરવા છતાં ગુજરાતના કોગ્રેસી શેઠની શિખામણ માનવા તૈયાર નથી. કોગ્રેસ મહાઅધિવેશન માટેની તૈયારીના ભાગરુપે જે કમિટીઓની રચના કરવામાં આવી તેમાં પણ અમદાવાદના ચઢી બેઠેલા નેતાઓએ પોતાની મનમાની કરી સમગ્ર અમદાવાદના સંગઠનની અવગણના કરી પોતાના મળતિયાઓને કમિટીમાં સ્થાન આપી દેતા મોટો હોબાળો મચ્યો હતો. કમિટીમાં સમાવેશ ના થયેલા આગેવાનોએ અવાજ ઉઠાવતા કાર્યકર્તાઓના આક્રોશને દબાવી દઈ નિર્લજ્જ રીતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
મહાઅધિવેશનમાં એન્ટ્રી પાસ બાબતે અમદાવાદ શહેર કાર્યકર્તાઓ દ્વારા માંગણી કરવામાં આવતા શહેર પ્રમુખ દ્વારા પ્રદેશ સમિતિ ખાતે મીટીંગ બોલાવી કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહાઅધિવેશનમાં માત્ર એઆઈસી ડેલીગેટ અને આમંત્રિત મહેમાનો જ એન્ટ્રી પાસ અપાશે તેમજ કાર્યકર્તાઓ માટે અલગથી સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. નેતાઓની વાતથી કાર્યકર્તાઓ સંમત થઈ ગયા ત્યાર બાદ કોગ્રેસના વફાદારોની બાદબાકી કરી તે જ વરસો જુની પદ્ધતિ મુજબ એન્ટ્રી પાસ પોતાના અંગત વફાદારોને આપવામાં આવતા જયારે મહાઅધિવેશન સ્થળની બહાર ફરતા વફાદાર કાર્યકરોએ નેતાનો વફાદારોને મહાઅધિવેશનમાં ફરતા જોયા ત્યારે ફરીથી હોબાળો થયો અને નેતાઓના મનસ્વી વર્તનની સોશ્યલ મીડીયા મારફતે ટીકાઓનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આવા નિર્લજજ નેતાઓથી અમદાવાદને મુક્ત કરવાની માંગ ઉઠી રહી છે.
કાર્યકર્તાઓ સોશ્યલ મીડીયા પર લખી રહ્યા છે કે ભાજપ સરકારે તમામ પૂર્વ ધારાસભ્યોની સિક્યોરીટી પરત લઈ લીધી છે છતાં પણ આ કેવું ભાજપ સાથેનું સેટીંગ છે કે અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલની સિક્યોરીટી પરત લેવાઈ નથી. ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ પર હુમલો થયો ત્યારે પત્થરમારામાં મીડીયા વિઝ્યુઅલમાં સ્પષ્ટ દેખાતા કોગ્રેસ નેતા શૈલેષ પરમાર તથા સામા પક્ષે ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહના પુત્રના દશ્યો આવ્યા છતાં અમિત શાહ અને શૈલેષ પરમારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સેટીંગ કરી બંને નેતાઓના નામ એફઆઈઆરમાં ના આવે અને એકતરફી કોગ્રેસના નિર્દોષ કાર્યકર્તાઓને જેલ હવાલે થવું પડયું. અને ભાજપના એક પણ નેતા સામે હજી સુધી એફઆઈઆર દાખલ થઈ નથી કે ધરપકડ થઈ નથી છતા કોગ્રેસના નેતાઓ ગુનાહિત ચુપકીદી સેવી રહ્યા છે.
કટ્ટરવાદી સંસ્થા દ્વારા કોગ્રેસ સમિતિ પર રાત્રિના સમયે હુમલો થયો તેની સામે કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી હજી સુધી કરવામા આવી નથી તે બાબતે ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરતા નેતાઓ ગુનાહિત ચૂપકીદી સેવીને બેઠા છે તે બાબત સોશ્યલ મીડીયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. રાજયમાં ૧૪ ટકા આદિવાસી વસ્તી છે અને તે હંમેશ ૨૦૨૨ ની ચૂટણીઓને બાદ કરતા કોગ્રેસની સમર્થક રહી છે પરંતુ તુષાર ચૌધરી અને પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાની સમાજને સંગઠિત રાખવાની નિષ્ફળતા અને આદિવાસી સમાજના યુવા આગેવાનોની લડતને અવરોધવાના પ્રયાસો કરતા નેતાઓને રાહુલ ગાંધીજીની ટીમના સર્વે આધારે સાઈડ લાઈન કરી આદિવાસીઓના પ્રશ્નો માટે સતત લડત ચલાવતા યુવાન ધારાસભ્ય અનંત પટેલ (એસીટી) ને નેતૃત્વ સોંપી આદિવાસી સમાજને સંગઠિત કરવાનું આયોજન,
દાયકાઓથી પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા સિદ્ધાર્થ પટેલનું મોટું આર્થિક સામ્રાજ્ય હોવાને પરિણામે સંગઠન પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણે તેમને સાઈડ લાઈન કરી તેમને સ્થાને ચુસ્ત કોંગ્રેસી પરેશ ધાનાણીને મહત્વપૂર્ણ નેતૃત્વ આપી સૌરાષ્ટ્રના પાટીદારોને સંગઠિત કરવાનો પ્રયાસ. વિધાનસભા પક્ષમાં અભ્યાસુ ધારાસભ્યની છબી ધરાવતા કિરીટ પટેલને મહત્વ આપી ઉત્તર ગુજરાતના પાટિદારોને સંગઠિત કરાશે. દલિત સમાજ બહુમતી પરંપરાગત કોગ્રેસ સમર્થિત રહ્યો છે પરંતુ ભાજપ શહેરી વિસ્તારોમાં દલિત મુસ્લિમોમાં કૌમી વૈમનસ્ય ફેલાવી શહેરી વિસ્તારોને દલિતોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. દલિત સમાજને પુનઃ કોગ્રેસ તરફી વાળવા દલિતોના પ્રશ્નો માટે લડાયક નેતાની છાપ ધરાવતા જીગ્નેશ મેવાણી અને નૌશાદ સોલંકીને જવાબદારી સોપાશે.
લઘુમતી સમાજ પરંપરાગત કોગ્રેસ તરફી રહ્યો છે. ભાજપ દ્વારા લઘુમતી સમાજને પ્રતાડિત કરવાથી મુસ્લિમ સમાજ અસુરક્ષા અનુભવી રહ્યો છે તેવા સમયે પ્રદેશ કોગ્રેસની નેતાગિરી દ્વારા મુસ્લિમ સમાજ પ્રત્યેની ઉદાસીનતા, મુશ્કેલ સમયમાં મુસ્લિમ સમાજની પડખે ના ઉભા રહેવાના કારણે આશ્ચર્યજનક રીતે છેલ્લી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોએ ભાજપામાંથી ઉમેદવારી નોધાવી અને કોગ્રેસ નેતાગિરીથી ઉદાસીન મુસ્લિમ સમાજે ભાજપની કનડગતથી રક્ષણ મેળવવા મત પણ આપ્યા અને 100 કરતા વધુ ઉમેદવારો જીતીને પણ આવ્યા. કોગ્રેસના અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીજીએ તમામ ધરમ જાતિના લોકોના સંવિધાનના અધિકારોની રક્ષા સાથે મુસ્લિમ સમાજ પર થતા અત્યાચારો અને અન્યાય બાબતે સંવૈધાનિક રક્ષણ અપાવવા નિર્ભય રીતે ન્યાયિક વાત કરવાનું આહવાન કર્યુ છે. લઘુમતી સમાજમાં યોગ્ય સામૂહિક નેતૃત્વ ઉભું કરવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાંથી સમાજની પડખે રહેનાર આગેવાનોને સંગઠનમાં મહત્વ આપવા ભાર મૂક્યો છે.
શું ખરેખર ગુજરાત કોંગ્રેસના કાર્યકરો આ વાત કરી રહ્યા છે. કેમકે થોડા સમય પહેલા જ આવી એક ઘટના બની હતી જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા હતા. જોકે હવે અધિવેશન પણ પૂરું થઇ ચૂક્યું છે અને કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પરત ફરી ચુક્યા છે તેવામાં આ મેસેજ હાલમાં કોંગ્રેસ કાર્યકરોમાં વોટસએપ અને સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp