Gujarat : એક પખવાડિયા પહેલાં મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા અને પ્રધાનમંત્રીને મળીને પાછા આવ્યા હતા ત્યારે એવી અટકળો શરૂ થઇ ગઇ હતી કે હવે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તણ કરાશે. અને આ વખતે પક્ષના તમામ કાર્યકરો અને નેતાઓને લાગતું હતું કે મંત્રીમંડળના વિસ્તરણ બાબતે હાઇકમાન્ડ ગંભીર છે.
વિસ્તરણના ભાગ રૂપે સંગઠનમાં ધરખમ બદલાવ થયા
વિસ્તરણની તૈયારીઓના એક ભાગ રૂપે સૌ પ્રથમ સંગઠનના માળખામાં ફેરફાર કરાયા હતા અને રાજ્યના કેટલાંક શહેરોના પ્રમુખોની નિયુક્તિ જાહેર કરાઇ હતી. જે નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા થનગની રહ્યા હતા તેમની આંખોમાં એકેક તેજ ચમકતું જોવા મળ્યું હતું જ્યારે જેઓને પડતા મૂકાવાનો ભય સતાવી રહ્યો છે તેઓના ચહેરા ઉપર એક પ્રકારની ઉદાસી છવાયેલી જોવા મળી હતી. ભાજપના આંતરિક વર્તુળોએ પણ વિશ્વાસપૂર્વક દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ હાથ ધરાશે.
હવે કદાચ સારા મુહૂર્તમાં યોજાશે મંત્રીમંડળનું વિસ્તરણ
જો કે ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ સર્જાયેલી તંગદીલીના પગલે સમગ્ર ચિત્ર એકાએક બદિલ ગયું છે, અને મંત્રીમંડળના વિસ્તરણની વાતને હાલ પૂરતી અભરાઇએ ચઢાવી દેવાઇ છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે થનગની રહેલાં ભાજપના એક ધારાસભ્યએ વ્યંગમાં કહ્યું હતું કે ‘મંત્રીમંડળના વિસ્તરણ માટે કદાચ કોઇ સારા મુહૂર્તની જરૂર છે’.