Gujarat budget: વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું. વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ પ્રથમ ક્રમ – નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને Achievers દરજ્જો મળેલ છે.
2047ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ
ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં “Achievers” દરજ્જો મેળવેલ છે.
2030 સુધીમાં 10% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ
બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
ગુજરાત મેક ઇન ઇન્ડિયા વિઝનને મજબૂત બનાવે છે
ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદનનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરીત GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.