Government of Gujarat: રાજ્ય સરકારે આ યોજના પાછળ 634 કરોડ સબસીડી જાહેર કરી

Government of Gujarat: રાજ્ય સરકાર દ્વારા અમલી શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અંતગર્ત ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 74 હજાર કરતાં વધુ કુટિર, ગ્રામોદ્યોગ, હાથવણાટ અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને રૂ. 634 કરોડની માતબર રકમની સબસીડી સહાયરૂપે આપવામાં આવી છે. આ કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જે અંતર્ગત કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી, તેમની આવકમાં વધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ શ્રી વાજપાઈ બેંકેબલ યોજના આશીર્વાદરૂપ બની છે.

વાજપાઇ બેંકેબલ યોજના પાછળ રૂ. 634 કરોડ સબસીડી સહાય

રાજ્ય સરકાર (Government of Gujarat) દ્વારા અમલી આ યોજના અંતગર્ત વર્ષ 2022-23માં 23,659 લાભાર્થીઓને રૂ. 197.53 કરોડ, વર્ષ 2023-24માં 28,049 લાભાર્થીઓને રૂ. 232.74 કરોડ તેમજ વર્ષ 2024-25માં જાન્યુઆરી માસ સુધીમાં 23,077 લાભાર્થીઓને રૂ. 204.40 કરોડની એમ કુલ 74 હજાર કરતાં વધુ લાભાર્થીઓને રૂ.634 કરોડથી વધુ સબસીડી સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાની સફળતાને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપુત તથા રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – 2024 અંતર્ગત આગામી વર્ષ 2025-26 માટે લોન રકમની મર્યાદા રૂ. 8 લાખથી વધારીને રૂ. 25 લાખની કરવામાં આવી છે. જ્યારે મહત્તમ સબસીડીની મર્યાદા રૂ.1.25 લાખથી વધારીને રૂ.3.75 લાખ કરવામાં આવી છે.

રાજ્યના લોકો માટે યોજના આશીર્વાદરૂપ બની

ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર યુવાન-યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકાર  (Government of Gujarat) દ્વારા કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત, સહકારી, પબ્લિક સેક્ટર તેમજ ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન-સહાય આપવામાં આવે છે. વધુમાં ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ યુવાન-યુવતીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 65 વર્ષના કારીગરોએ ઓછામાં ઓછું ધોરણ-4 પાસ કરેલું હોવું જોઈએ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ અથવા વારસાગત કારીગર હોવા જરૂરી છે. વધુમાં આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓનો બાધ નથી. રાજ્ય સરકાર દ્વારા કારીગરોને ઉદ્યોગ, સેવા તેમજ વેપાર ક્ષેત્ર માટે હાલ મહત્તમ રૂ. 8 લાખ સુધીની લોન, જેમાં રૂ.1.25 લાખ જેટલી મહત્તમ સબસીડી પણ આપવામાં આવે છે.

 

 

 

Scroll to Top