Gandhinagar News: ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ (National Conference on Good Governance) નો ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો.આ શુભારંભ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ હાજર રહ્યા હતા
આ કોન્ફરન્સમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ પરિષદની સુવ્યવસ્થિત યજમાની કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતને સુશાસનનું વિશ્વાસપાત્ર મોડલ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, સુશાસન અને સુશાસનીક વ્યવસ્થા અંગે ગોષ્ઠી કે પરિષદનું આયોજન કરવા માટે ગુજરાતથી શ્રેષ્ઠ દેશમાં અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે. 90ના દાયકામાં કોઈપણ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવું હોય તો, ગુજરાતમાં IIM-અમદાવાદ ઉપરાંત કોઈ વિકલ્પ ન હતો. આજે એ જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોનું સુદ્રઢ આયોજન વડાપ્રધાન મોદીના વિઝનથી શક્ય બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પરિષદનું અલગ-અલગ રાજ્યમાં આયોજન કરવાની પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિરૂપે દેશના અનેક રાજ્યોમાં આ પરિષદનું આયોજન થઇ ચૂક્યું છે. પરંતુ ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ પરિષદોનું સતત આયોજન થઇ રહ્યું છે. ગુજરાત માત્ર માળખાકીય સુવિધાઓ જ નહિ, પરંતુ ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન છે. ઓનલાઈન સેવાઓ, પોર્ટલ, ડેશબોર્ડ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.
ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં અગ્રણી સ્થાને
આ કોન્ફરન્સમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુશાસન એ વિકસિત સમાજનો મુખ્ય પાયો છે. ગુજરાત સરકાર નાગરિકો માટે ગવર્નન્સ રિફોર્મ, પારદર્શિતા, કાર્યક્ષમતા અને સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છે. જેના પરિણામે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં અગ્રણી સ્થાને છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાત મોડલ એક પ્રોએક્ટિવ, રિસ્પોન્સિવ અને એકાઉન્ટેબલ ગવર્નન્સ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુડ ગવર્નન્સ એ માત્ર એક પોલિસી નથી, પરંતુ નાગરિકો માટે ઉપયોગી, જવાબદાર અને વહીવટી પારદર્શિતા સાથેની એક પરંપરા છે. નાગરિકોને સરકારી સેવાઓ કાર્યક્ષમ, પારદર્શિતા અને સરળતાથી મળી રહે તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ડેટા બેઝ, ડેટા મેનેજમેન્ટ, AI સંચાલિત અને નાગરિક ઉપયોગી સેવાઓ માટે ગુજરાત સરકાર તૈયાર છે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને રિયલ ટાઇમ સર્વિસ ડિલિવરી મળી રહે તે માટે સરકાર સતત કામ કરી છે. આવા દરેક રિફોર્મ્સ થકી રાજ્યનાં નાગરિકો કોઈ પણ સમયે અને સ્થળેથી ઝડપી પેપરલેસ સેવાઓનો લાભ લઈ શકશે. રાજ્યમાં ઇ-ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સના ભાગરૂપે ઇ-સરકાર, કર્મયોગી એપ્લિકેશન, ડિજિટલ ગુજરાત, આઇએમએફએસ, આઇ-ખેડૂત, વિશ્વાસ, સ્વાગત જેવા ઘણા ઓનલાઈન પોર્ટલ કાર્યરત છે.