Rajkot : ગોંડલ (Gondal) નાં રીબડામાં અમિત ખૂંટનાં આપઘાતનો કેસ ખૂબ ચર્ચિત છે. આ કેસમાં અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) અને રાજદીપસિંહ જાડેજા (રીબડા)નાં નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. તેના આધારે પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં આ બંને પોલીસ પકડથી દુર છે. આ કેસમાં હાલમાં એડવોકેટ દિનેશ પાતર, એડવોકેટ સંજય પંડિત સાથે દુષ્કર્મનો આક્ષેપ કરનાર સગીરા અને પૂજા રાજગોર નામની યુવતી કે જે સગીરાની મિત્ર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
અમિત ખૂંટ કેસમાં માસ્ટર માઈન્ડ “મિસ્ટર X” કોણ છે ?
રાજકોટ જિલ્લાનાં ગ્રામ્યનાં એસ.પી. હિમકરસિંઘ એ દાવો કરતાં જણાવ્યું છે કે આ હનીટ્રેપ કેસનો માસ્ટર માઈન્ડ “મિસ્ટર X” એ રહીમ મકરાણી છે જે જુનાગઢનો રહેવાસી છે. જિલ્લાના પોલીસ વડાએ “મિસ્ટર X” એટલે કે રહીમ મકરાણી ના નામનો જો દાવો કરી રહ્યા છે, તે પ્રમાણે જો તે ખરેખર આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હશે અને તેની ધરપકડ થશે તો કેસમાં ખૂબ મોટા ખુલાસા અને મહત્વનાં વળાંકો આવી શકે છે. પરંતુ હાલ તો રાજકોટ પોલીસ આ કેસનાં આરોપીને પકડવા માટે પ્રયાસ કરી છે પણ હજી સુધી પોલીસને સફળતા મળી નથી.
બંને તરફ શક્તિ પ્રદર્શન પણ થયા
અમિત ખુંટ કેસમાં સુસાઇડ નોટના આધારે ગોંડલ (Gondal) તાલુકા પોલીસની ટીમે આખી આ ઘટનામાં ગુનો દાખલ કર્યા બાદમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિહના સમર્થનમાં એક રેલી કાઢીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જોકે બીજી તરફ અમિત ખૂંટના પરિવારે એક વખત રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું અને સાથે ગોંડલમાં એક મૌન રેલી યોજી ગોંડલ (Gondal) ના યુવાનો પરિવારના સમર્થનમાં આવ્યા હતા.