Gondal : ગોંડલમાં રહેતા અને મુળ રાજસ્થાની યુવક રાજકુમાર જાટના મૃત્યુના મામલો શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. ગોંડલમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગયા પછી યુવક ગાયબ હતો, ત્યારબાદ પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, મારા દીકરાનું અકસ્માતથી નહિ, પરંતુ હત્યા કરવામાં આવી છે. જો કે, આ મામલે પોલીસે માર્ગ અકસ્માતમાં રાજકુમારનું મૃત્યુ થયું તેવું કહી રહી છે.
જો કે, ત્યારબાદ રાજ્યના પ્રતિષ્ઠિત અખબારે દાવો કર્યો હતો કે, પહેલા અને બીજા પોસ્ટ માર્ટમ રીપોર્ટમાં અનેક વિસંગતતાઓ જોવા મળી હતી. ત્યારે, હવે, આ મામલે રાજસ્થાનમાં જાટ સમાજના નેતાઓ અને આગેવાનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના ગંગાપુર વિસ્તારના UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુના સંદર્ભમાં મંગળવારે જયપુરના શહીદ સ્મારક પર એક વિરોધસભા યોજાશે. જયપુર ના શહિદ સ્મારક પાસે મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે. જેમાં રાજસ્થાનના ઘણાં ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત વિદ્યાર્થી આગેવાનો ભાગ લે તેની સંભાવના છે. તે પહેલા ટ્વીટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં જાટ સમાજના અને અન્ય લોકોએ મોટી સંખ્યામાં ટ્વીટ કર્યા છે. અનેક ટિવટર યુઝરે આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગણી દોહરાવી છે.
આ વિરોધસભાના મુખ્ય મુદ્દામાં 27 દિવસથી ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી નથી અને CBI તપાસની માગણી કરવામાં આવશે. આ સિવાય રાજસ્થાન સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક મેમોરેન્ડમ આપવામાં આવશે.આ સિવાય સોશિયલ મીડિયા એક્સ પર JusticeForRajkumar ટ્રેન્ડ કરીને વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ધ્યાન પણ દોરવામાં આવશે. જો કે, આ મામલે એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે, રાજકુમારને ન્યાય અપાવવા માટે રસ્તાઓથી લઈને ગૃહ સુધી આંદોલન ચાલુ રહેશે.
X પર ચાલી રહેલા ટ્રેન્ડમાં એક યુઝરે લખ્યું છે કે આ હત્યાકાંડમાં સરકાર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે, જે કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. બીજા યુઝરે લખ્યું છે કે એક ગરીબ પરિવાર પાસેથી તેનો પુત્ર છીનવી લેનારાઓને જેલના સળિયા પાછળ પહોંચાડવા જોઈએ. આમાંથી ઘણા ટિવટ પીએમઓ ઈન્ડિયા, એચએમઓ ઈન્ડિયા, સીએમઓ ગુજરાત વગેરેને પણ ટેગ કરવામાં આવ્યા છે.
આ માટે અમે સતત જનપ્રતિનિધિઓને સરકારને પત્રો લખવા અને યુવાનોને પણ મળી રહ્યા છીએ. રાજધાની જયપુરમાં આ અંગે વિરોધસભા યોજાશે. અત્યાર સુધીમાં 25 ધારાસભ્ય અને 4 લોકસભા સાંસદે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્ર લખીને આ મામલે માગણી કરી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ પણ માગણી ઉઠાવી છે. રાજસ્થાન વિધાનસભામાં કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હનુમાન બેનિવાલ અને ઉમેદરામ બેનિવાલે પણ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.
બીજી તરફ એવી માહિતી મળી છે, મૃતક રાજકુમારના સિંગલ ડોકટર દ્વારા થયેલા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા થયેલા પોસ્ટમોર્ટમમાં ઈજાની સંખ્યા અંગે ખુબ જ વિસંગતતા જોવા મળી રહી છે. જોકે આ બાબતે પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી. ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં ૪૨ ઈજાના નિશાન મળ્યાનું જણાવાયું છે. આ સ્થિતિમાં બસની ટક્કર વાગવાથી આટલી બધી ઈજાઓ કઈ રીતે શકય બને તે બાબતે ખુદ ઘણાં ડોકટરો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પરંતુ પોલીસને તેમાં કાંઈ અજુગતું લાગતું નથી. આ જ કારણથી પોલીસ હજૂ પણ રાજકુમારનું મોત ખાનગી બસની ટક્કર વાગવાથી થયાની વાતને વળગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકુમારના મોતને લઈને રાજસ્થાનના જાટ સમાજમાં તિવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના જ બે સાંસદોએ આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. રાજસ્થાનના અનેક ધારાસભ્યો આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. મૃતકના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે આક્ષેપો કરતા રાજયભરમાં આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે. આ કેસમાં પોલીસે કરેલી તપાસ સામે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.