Gondal : તાજેતરમાં ગોંડલમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે. પહેલા રાજકુમાર જાટનું મૃત્યુ અને ત્યારબાદ પટેલ સમાજના સગીરને માર મારવાનો મામલો સામે આવ્યો છે. સગીર યુવાનને માર મારતા પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો આ મામલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. શુક્રવારે વરૂણ પટેલે ટ્વીટ કર્યું હતું ત્યારબાદ,આજે ભાજપના પાટીદાર નેતા વરૂણ પટેલે NewzRoom Gujarat સાથે વાત કરતા આક્રમક પ્રહારો કર્યા હતા. ગોંડલના સ્થાનિક નેતાઓને આડકતરી રીતે ઘેર્યા હતા.
વરૂણ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગ કરી હતી કે, જે રીતે વસ્ત્રાલમાં આતંક મચાવાનાર લુખ્ખા તત્વોના ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું તે રીતે ગોંડલના આરોપીઓ સામે બુલડોઝર ચલાવવામાં આવે તેવી માંગ કરી હતી. પાટીદાર નેતાએ ગોંડલના ગુંડાઓને ખુલ્લી ધમકી આપી હતી.
આ સિવાય રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, રાજકોટ પોલીસ એક ચોક્કસ નેતાની પ્રવક્તા બનીને કાર્ય કરી છે. પરંતુ પોલીસનું કામ છે તપાસ કરવાનું , તપાસ કરી રિપોર્ટ બનાવી કોર્ટમાં સોંપવાનું ત્યારે રાજકોટ પોલીસ પણ યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોંડલમાં સગીર દીકરાને મારવામાં આવે એને FIR માટે રઝળવું પડે તે અત્યંત શરમજનક છે અને તો ગોંડલમાં જે આરોપી છે એમના વરઘોડા નીકળવા જોઈએ.
ગોંડલમાં તંત્રની ઢીલી નીતિ છે અને તંત્ર ભૂલી ગયું છે કે એમનો પગાર ગુજરાતની સરકાર આપે છે અને ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી તેઓનો પગાર આવે છે. જે રીતે વસ્ત્રાલમાં ઇંચ બાંધકામ બહાર હોય અને આરોપીઓની ગેરકાયદેસર મિલકત તોડી નાખવામાં આવે છે તો ગોંડલમાં એવું મહેલોની માપણી કરાઈ રહ્યો છું જે મહેલોના એક સેન્ટીમીટર પણ માપ બહાર હશે તો મહેલોય પાડવામાં આવશે જ દાદાનું બુલડોઝર ગોંડલમાં ફરશે.