Gondal : તાજેતરમાં ગોંડલમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે. પહેલા રાજકુમાર જાટનું મૃત્યુ અને ત્યારબાદ પટેલ સમાજના સગીરને માર મારવાનો મામલો સામે આવ્યો છે. સગીર યુવાનને માર મારતા પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો આ મામલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે આવતીકાલે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
ગોંડલની અંદર ગોંડલમાં પટેલ સમાજના સગીરને માર મારવાનો મામલે, ઇજાગ્રસ્ત યુવાનને મળવા MLA જયેશ રાદડિયા પહોંચ્યા છે. આ સાથે ધારાસભ્ય સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ પહોંચ્યા હતા. જયેશ રાદડિયા, ભરત બોઘરા અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પણ પહોંચ્યા હતા. આ નેતાઓએ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે મિટિંગ યોજી હતી અને ઇજાગ્રસ્ત સગીરની જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યાં મળવા પહોંચ્યા હતા. સમગ્ર મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું છે. હવે આ મામલે, જયેશ રાદડીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અમે આ ઘટનાની વિગતવાર જાણ ગૃહમંત્રીને કરશું. જે ફરિયાદ નોંધાઈ છે એમાં જે કલમ ઉમેરવાની ઘટે છે તે કલમ ઉમેરવા રજૂઆત કરીશું અને આ ઉપરાંત ગોંડલ બંધનું જે એલાન છે તે આગળ વધારીશું.
જીલ્લા ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, અમે પાટીદાર યુવાનના પરિવારની મુલાકાત કરી છે, ઘટનાની અંદર માત્ર પાટીદાર યુવાન નહિ, તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો છે. આ ઘટના ખૂબ નિંદનીય છે, ઘટનાને કડક શબ્દોમાં વખોડી નાખીએ છીએ. ત્યારે અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું કે, આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય, ઘટતી કલમનો ઉમેરો થાય. અને આગામી સમયમાં સૌરાષ્ટ્રના માત્ર પાટીદાર નહિ, પરંતુ કોઈ યુવાન સાથે ન થાય તેવા કડક પગલાં લે અને દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગણી કરશું. આ સાથે જ્ઞાતિ વિગ્રહ ન થાય તે ધ્યાન રાખશું અને પાટીદાર આગેવાનોની જે માંગણી છે એમાં અમે સાથે છીએ.