લગ્નની મોસમ અને અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
મંગળવારે દિલ્હીમાં સોના (Gold)ના ભાવ પહેલી વાર ₹1 લાખ પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યો
Gold Price Hits ₹1 Lakh | લગ્નની મોસમ અને અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવ (Gold Rate) માં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીના રિટેલ માર્કેટમાં સોનાના ભાવ પહેલી વાર ₹1 લાખ પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ આજે પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સોમવારે સોનાની કિંમત 96,670 રૂપિયા હતી. એટલે કે આજે 24 કેરેટ સોનું એક દિવસમાં 3,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું. તે જ સમયે, ચાંદી આજે 95,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. દરમિયાન, સલામત રોકાણ માંગને કારણે મંગળવારે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં સોનાના વાયદામાં રૂ.1,899 વધીને રૂ.99,178 પ્રતિ 10 ગ્રામની આજીવન ઊંચી સપાટીએ પહોંચી ગયો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફેડ રિઝર્વના જેરોમ પોવેલના નિર્ણય પર કટાક્ષ કરતાં અમેરિકા (USA) માં રાજકીય તણાવ વધ્યો છે. ફેડ રિઝર્વે અમેરિકામાં ફુગાવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટના કારણે રોકાણકારો બુલિયન તરફ ડાયવર્ટ થયા છે. સ્પોટ ગોલ્ડ 3494.66 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 1.7 ટકા ઉછાળા સાથે 3482.26 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.
સોનાના ભાવ વધવાના કારણો
1. સોનાના ભાવમાં વર્તમાન વધારો વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે થયો છે. તેનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસ ફેડરલ રિઝર્વ વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાને લઈને થયેલા નવેસરથી તણાવ અને યુએસ અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધમાં તેજ બની હોવાના કારણે છે. હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન જેવા મોટા દેશોની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. આનાથી વિશ્વમાં મંદીનો ભય પેદા થઈ શકે છે.
2. ડોલર ઇન્ડેક્સ કેટલા વર્ષોના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ડોલર નબળો પડે ત્યારે સોનાની કિંમત ઘણીવાર વધે છે. આનું કારણ એ છે કે સોનાની કિંમત ડોલરમાં હોય છે, જેના પગલે ફોરેન કરન્સી હોલ્ડર માટે રસ્તો સરળ થઇ જાય છે. મંગળવારે કોમેક્સ સોનું પ્રતિ ટ્રોય ઔંસ $3,395 ની નજીક ટ્રેડ કરી રહ્યું હતું.
3. સોનાના ભાવમાં વધારા પાછળનું એક કારણ કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવતી ખરીદી છે. આર્થિક સંકટનો સામનો કરવાની તૈયારી કરી રહેલા વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. ટાટા એએમસીના અહેવાલ મુજબ, સોનાની માંગ મુખ્યત્વે ચીન, ભારત અને તુર્કી જેવા ઉભરતા બજારોમાં છે, જેમની પાસે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ જેવા અન્ય મુખ્ય વિકસિત અર્થતંત્રો કરતાં ઓછો અનામત છે. અહેવાલ મુજબ, 2025 માં કેન્દ્રીય બેંક દ્વારા ખરીદી સરેરાશ 100 ટન પ્રતિ માસ થવાની ધારણા છે. અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે વધતા ભૂ-રાજકીય તણાવના પ્રતિભાવમાં કેન્દ્રીય બેંકોએ તેમની સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.
4. સોનું એક સુરક્ષિત રોકાણ છે કારણ કે તેની કિંમતો વધે છે. હકીકતમાં, વધતી જતી મંદીના ભય, ધીમી વૃદ્ધિ અને સતત વેપાર યુદ્ધના તણાવ વચ્ચે, રોકાણકારો સોના જેવી સલામત રોકાણ શોધી રહ્યા છે.
5. એક અહેવાલ મુજબ, ગોલ્ડ ઇટીએફ રોકાણકારોમાં લોકપ્રિય બની રહ્યા છે. યુબીએસના અંદાજ મુજબ, સંસ્થાકીય અને રિટેલ રોકાણકારો વૈકલ્પિક અને વધુ સ્થિર સંપત્તિ શોધતા હોવાથી, 2025માં રોકાણ 450 મિલિયન ટન સુધી પહોંચશે.
અત્યારે રોકાણ કરવું કે નહીં?
જાણકારો અનુસાર સોનાના ભાવ અસ્થિર રહી શકે છે પરંતુ ટૂંકા ગાળામાં સ્થિર રહેશે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો મોટાભાગના વિશ્લેષકો આ સ્તરે શોર્ટ સેલિંગ ટાળવાની ભલામણ કરે છે. 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 26% અથવા 20,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુનો વધારો થયો છે. જોકે તેજી માટે અનુકૂળ પરિસ્થિત છે, વિશ્લેષકો કહે છે કે સાવધાની સાથે આગળ વધવું એ સમજદારીભર્યું છે. જો તમે હમણાં રોકાણ કરવા માંગતા હો, તો નાના તબક્કામાં કે એકવાર થોડોક ઘટાડો નોંધાય ત્યારે રોકાણ કરવાનું વિચારો. આગામી સમયમાં સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. જો આર્થિક અનિશ્ચિતતા એટલે કે વેપાર યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવે તો સોનાના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળી શકે છે. આ સ્થિતિમાં, સોનાનો ભાવ પ્રતિ ઔંસ $2,850 થી $2,700 સુધી ઘટી શકે છે.