Reciprocal Tariff | અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ટેરિફ યોજના 90 દિવસ માટે મુલતવી રાખવાના નિર્ણય પછી, વૈશ્વિક બજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બુધવારે મોડી રાત્રે, ટ્રમ્પે રેસિપ્રોકલ (પારસ્પરિક) ટેરિફ (Reciprocal Tariff) પર 90 દિવસની છૂટની જાહેરાત કરી. જોકે, આ રાહત ચીન સિવાયના બધા દેશો માટે છે. ટ્રમ્પની જાહેરાત પછી, ગુરુવારે એશિયન શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 7.2% વધીને 33,999ને પાર થયો. તે જ સમયે, સિઓલનો કોસ્પી 5% થી વધુ ઉછળ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઈન્ડેક્સ પણ 6% થી ઉપર રહ્યો.
યુએસ માર્કેટમાં તેજી
બુધવારે અમેરિકન શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ડાઉ જોન્સ 7.25% એટલે કે 2,728 પોઈન્ટના ઉછાળા સાથે 40,374 પર બંધ થયો. નાસ્ડેકમાં 10.7%નો રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો અને 16,905 પર બંધ થયો, જે 24 વર્ષમાં સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે. S&P 500 ઇન્ડેક્સ પણ 8.3% વધીને 5,395 પર પહોંચ્યો.
ચીન માટે અલગ નિયમ
ડનાલ્ડ ટ્રમ્પે 75 દેશને 90 દિવસની રાહત આપી છે, પરંતુ ચીન માટે ટેરિફમાં વધારો કર્યો છે. હવે, ચીનથી આવતા ઉત્પાદનો પર 125% સુધીનો આયાત ટેરિફ લાગશે.
ચીને પણ કડક વલણ દાખવ્યું
ટ્રમ્પના નિર્ણય પર ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. બિજિંગે કહ્યું કે તે અમેરિકાની ‘ટેક્સ બ્લેકમેલ’ નીતિને સહન કરશે નહીં. બદલામાં, ચીને અમેરિકાથી આવતા ઉત્પાદનો પર 34% ટેરિફ લાદ્યો છે. આના કારણે અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.
ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી
ટ્રમ્પે ટેરિફ રાહત 90 દિવસ માટે લંબાવી છે કારણ કે મોટાભાગના દેશોએ વાટાઘાટો માટે સંપર્ક કર્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે બદલો લીધો નથી. ટમ્પની જાહેરાત પછી વૈશ્વિક બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે વિશ્વભરના બજારોમાં તેજીનો ટ્રેન્ડ હતો, જોકે, ભારતીય બજારો ગઈકાલે સુસ્ત દેખાતા હતા. બુધવારે, સેન્સેક્સ 379 પોઈન્ટ ઘટીને 73,847 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 136 પોઈન્ટ ઘટીને 22,399 પર બંધ થયો. તે જ સમયે, આજે મહાવીર જયંતિના કારણે શેરબજાર બંધ રહેશે.