Gandhinagar: ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગુજરાતમાં આગની ઘટનામાં વધારો થયો છે. ચાલું મહિનામાં ડીસા, સુરત અને ગઇકાલે અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનાને લીધે જીવના જોખમે 18 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગરમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જ્યાં ગાંધીનગરનાં સેક્ટર 4માં ગેસના બાટલામાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગત રાત્રે ગાંધીનગર સેક્ટર 4ખાતેના ગાર્ડન નજીકના ઝુંપડામાં આગ લાગી હતી.આ અંગે નો કોલ ફાયરબ્રિગેડ મળતા, ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે આગ બુજાવવાની કામગીરી હાથધરી હતી,પરંતુ આગને લીધે અચાનક ઝુંપડામાં રહેલ ગેસ-સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ ઓલવનાર 4 ફાયર કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની હાલતને જોતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં, ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમને ફોન પર માહિતી મળી હતી કે ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલય પાછળ એક ઝૂંપડીમાં આગ લાગી છે, જેના લીધે તાત્કાલિક એક ટીમને રવાના કરવામાં આવી હતી. જેવી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, તે જ સમયે શૌચાલયની પાછળ આગની લપેટમાં આવેલી ઝૂંપડીમાં ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો.જેમાં ચાર ફાયર કર્મચારી આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે દાઝેલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ત્રણ કર્મી 75 ટકા જેટલું શરીર દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક હાથના ભાગે દાઝી ગયા હોવાથી સિવિલમાં દાખલ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ આગ લાગવાનો બનાવ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં-સી બ્લોકના 5મા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં લોકોએ જીવના જોખમે કૂદકા મારીને નીચે ઉતર્યા હતા. ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા જોઈને ગભરાઈ ગયેલા લોકો જીવ બચાવવા દાદરામાં આવેલા ખાંચા માંથી ઉપરના માળેથી નીચેના માળે ઉતર્યા હતા, બચવાની કોઈ આશા ન દેખાતાં કેટલાક લોકો બારીએથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યા, તો કેટલાક લોકોએ જીવના જોખમે બારીએથી ઊતરી પોતાનો જીવ બચાવ્યો. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ સાથે સ્થાનિકોએ પણ પ્રયત્ન કર્યા હતા. આ ઘટનામાં જાનહાની થઈ નથી અને તમામ 18 લોકોને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા હતા, જ્યારે આગ પર પણ કાબુ મેળવી લેવાયો હતો.