ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે? આ પાર્ટીના નેતાએ ટિકિટની ઓફર કરી

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એક રાજકીય પક્ષ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામની આ પાર્ટી ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઈને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિનંતી કરી છે.

ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ
સુનીલ શુક્લાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે. લોરેન્સ બિશ્નોઈની ચૂંટણી લડવાની ઈચ્છા હશે તો પાર્ટી તેમને ટિકિટ આપશે. ઉત્તર ભારતીય વિકાસ સેનાના 50 વધુ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે લોરેન્સ બિશ્નોઈને લખેલા પત્રમાં કહ્યું છે કે, અમને ગર્વ છે કે તમે પંજાબમાં જન્મેલા ઉત્તર ભારતીય છો અને અમે ‘ઉત્તર ભારતીય વિકાસ સેનાના નામે એક રાષ્ટ્રીય અને મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ રાજકીય પક્ષ છીએ, જે ઉત્તર ભારતીયોના અધિકારો માટે કામ કરે છે.

લોરેન્સ બિશ્નોઈની ચૂંટણી લડવાની ઈચ્છા હશે તો પાર્ટી તેમને ટિકિટ આપશે
લોરેન્સ બિશ્નોઈને લખેલા પત્રમાં UBVS અધ્યક્ષ સુનીલ શુક્લાએ કહ્યું છે કે, ‘અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને પાંચ અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાંથી આવેલા ઉત્તર ભારતીયો, જેઓનો મહારાષ્ટ્રમાં જન્મ થયો છે અને અહીં જ મોટા થયા છે, જેઓ OBC, SC અને ST છે, છતાં તેમને અનામતથી માત્ર એટલા માટે વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે તેમના પૂર્વજો ઉત્તર ભારતીય હતા. જો ભારત એક એકમ છે તો આપણે શા માટે આ અધિકારથી વંચિત છીએ?

 

 

 

Scroll to Top