Keshod : દીકરીને તેનો પિતા સૌથી વધારે વ્હાલા હોય છે, તો સામે બાપને પણ પોતાની દીકરી સૌથી વધારે વ્હાલી હોય છે. પરંતુ અત્યારે બાપ-દીકરીના સંબંધને લજવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, જુનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદમાં સામે આવી છે. સગા બાપે જ પોતાની જ સગીર દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. પિતાએ ગુનો આચર્યા બાદ માતા અને બહેનને મારી નાંખવાની ધમકી પણ આપી છે. સગીરાએ માતાને જાણ કરતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદમાં સગા બાપે જ સગી દીકરીને પીંખી નાંખી છે. ઘટનાની વિગતો એવી છે કે, કેશોદમાં સગા બાપે પોતાની વહાલી સગીર દીકરી પર એકલતાનો લાભ લઈને વારંવાર હવસનો શિકાર બનાવી છે. સગીરાએ તેની માતાને સમગ્ર બાબતની જાણ કરતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે માતાને આ વાતની જાણ થઇ તો હેવાન પિતાએ દીકરીની માતાને પણ જીવથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી.
માતા દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી
બાપે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીર દીકરીએ તેની માતાને જાણ કરી હતી. માતાએ પિતાને આ બાબતે ઠપકો આપતાં તેણે બહેન તથા પત્નીને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ માતા પોતાની દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોચી હતી. પોલીસને સમગ્ર બાબતની જાણ કર્યા બાદ પીડિત દીકરીએ સગા બાપ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.