Vijay Rupani :- અમદાવાદના ઈતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાશે. અમદાવાદથી એરઈન્ડિયાની ફ્લાઈટે લંડન માટે ઊડાન ભરી, પરંતુ ઊડાન ભરતાની સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારમાં ટકરાયું અને પ્લેનમાં સવાર તમામ યાત્રિકો મૃત્યુને ભેટ્યા. આ યાત્રીઓમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. વિજય રૂપાણીને હંમેશા ગુજરાત સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે. મહત્વનું છે કે, વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.
વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.
ભાવનગર-ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(MISA) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.
1987માં કોર્પોરેટર બન્યા ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.
ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને હવે મુખ્યમંત્રી તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં હતા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં હતા. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
વિજયભાઈ રૂપાણીએ સત્તા સાંભળતાની સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના પ્રાણ પ્રશ્ન સમાન પાણીના પ્રશ્નને નિવારવા પ્રયાસ કર્યા હતાં. આ પ્રયાસો ઘણા અંશે સફળ પણ થયા છે. આ ઉપરાંત ભુમાફિયાઓ સામે પણ કડક નિર્ણયો લીધા હતા. કોરોના કાળમાં લેવાયેલા સંવેદનશીલ નિર્ણયોની ચોમેર પ્રશંસા થઈ હતી. વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ સમયે તેમણે ખડેપગે રહી બચાવ અને રાહત કામગીરીનું સુકાન સાંભળ્યું હતું.
આ ઉપરાંત લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા 2016માં ઐતિહાસિક નિર્ણય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો. મુખ્યમંત્રીશ્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં 8થી 10 ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે. એટલું જ નહીં, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો. આ ઉપરાંત GIDC, નારી સુરક્ષા, લઘુ ઉદ્યોગકારો, જાહેર પરિવહનનું આધુનિકરણ સહિતની બાબતે સંવેદનશીલ નિર્ણયો લીધા હતા. જો કે, આજે અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ત્યારે તેઓનું કરૂણ મોત થયું છે.