Fake gun licence racket | બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા વધુ 17 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર-નાગાલેન્ડ (Manipur-Nagaland) થી બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. છે. આ ઉપરાંત અમદાવાદના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાઈસન્સ મેળવ્યાની સાથે દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના સગાનું નામ એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે.
મોટાભાગના હથિયારો સૌરાષ્ટ્રમાં ખરીદાયા
એટીએએસી તપાસમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં મુખ્ય સાત આરોપીઓ પાસેથી મળેલી વિગતો અને ત્યાર બાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ બનાવટી લાઈસન્સ પર એકથી વધુ હથિયાર ખરીદીને લાખો રૂપિયામાં વૈચાણ કર્યા હતા. એટલું જ નહીં બોગસ લાઈસન્સમાં ચેડાં કરીને લાઈસન્સ પણ મોટી રકમ વસૂલીને આપ્યા હતા. એટીએસ દ્વારા એકયાદી કરવાની સાથે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પોરંબદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
ધારાસભ્યના સગાએ પણ બોગસ લાઈસન્સ ખરીદ્યું
તપાસમાં એવી વિગતો આવી છે કે અમદાવાદના એક મોટાગજાના રાજકીય વ્યક્તિ સાથે આરોપીઓને મિલિભગત હોવાથી તેમણે અનેક બોગસ લાઈસન્સ ઇશ્યુ કરાવ્યા છે. આ ઉપરાંત એક ધારાસભ્યના પણ હથિયાર હોવાની વિગતો એટીએસની તપાસ ખુલી છે. સાથેસાથે સુરેન્દ્રનગર જિલ્લાના એક અનુભવી રાજકીય વ્યક્તિના અનેક સગાને પણ લાઈસન્સ ઇશ્યુ કરાવ્યાની વિગતો સામે આવતા હતા. હવે આ કેસમાં રાજકીય વળાંક આવતા એટીએસના અધિકારીઓ મુંઝવણમાં મુકાયાનું જાણવા મળ્યું છે.
કલાકારો રાજકીય આકાઓના શરણે દોડ્યા
બોગસ લાઈસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાડમાં કેટલાંક ડાયરાના કલાકારો પણ શંકાના ઘેરામાં છે કેમ કે, તેમણે પણ ગેરકાયદે રીતે હથિયાર ખરીદ્યા છે. ગેરકાયદે લાઈસન્સ અને હથિયાર પ્રકરણમાં હજુ મોટા ખુલાસો થઈ શકે તેમ છે. ગેરકાય રીતે રિવોલ્વર અને લાયસન્સ અપાવવામાં જેની મુખ્ય ભૂમિકા રહી છે તે અર્જુન અલગોતર કેટલાંક ગુજરાતી કલાકારોના સંપર્કમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અર્જુન અલગોતરે જ ડાયરાના કલાકારોને ગેરકાયદે રીતે લાઈસન્સ અને રિવોલ્વર અપાવ્યાં છે. હવે જ્યારે આ પ્રકરણમાં માઇન્ડ માસ્ટર સૌકત અલી હરિયાણાથી પકડાયો છે ત્યારે હજુ ચોંકાવનારી માહિતી બહાર આવશે. ગેરકાયદે રીતે રિવોલ્વર અને લાયસન્સ કૌભાંડ પકડાયુ છે ત્યારે ડાયરાના કલાકારોએ મૂંઝવણમાં મૂકાયા છે. રાજકીય વગ આધારે સમગ્ર પ્રકરણથી બચવા દોડધામ મચાવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરશે તો વટ પાડવા હથિયાર ખરીદનારાંઓના નામ ખુલી શકે છે.