અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં એક સાથે 10 જગ્યાએ EDએ રેડ પાડી છે. શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ ED દ્વારા રેડ પાડવામાં આવી છે. ખેડા ખાતે ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી છે.
ગુજરાત વકફ બોર્ડ સંચાલિત અમદાવાદની જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદેસર દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ EDના (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર અને ખેડા સહિતના સ્થળો ઉપર ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા નવાબ ખાનના દીકરા શરીફ ખાનના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.
મંગળવારે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના અલગ-અલગ સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મ હાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વકફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સો દ્વારા દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ જમીન વકફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો જેનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે કોર્પોરેશનને આદેશ આપતા ગેરકાયદેસર બાંધકામ કરાયેલી દુકાન તોડી પાડવામાં આવી હતી.