Draupadi Murmu એ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, જાણો શું કહ્યું

Draupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ મતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. સરદાર સાહેબની એકતા, અખંડિતતા અને અતૂટ ધૈર્યની ભાવનાની પ્રત્યક્ષ અનુભૂતિ સૌએ કરી હતી.

સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ (Draupadi Murmu) નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા.

રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા

રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન SoUના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગેની પશ્ચાદભૂ વર્ણવી હતી.રાષ્ટ્રપતિ મતી દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) બુધવારે મહાશિવરાત્રિના પાવન દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે SSNNLના ચેરમેન મુકેશ પુરી, કલેક્ટર એસ.કે. મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ SoU ના CEO યજ્ઞેશ્વર વ્યાસ, SoUના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

Scroll to Top