Gujarat News: શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો? હા આ શક્ય બન્યું છે. બ્રહ્માંડના પ્રવેશદ્વાર સમાન ભુજની નવનિર્મિત વેધશાળામાં ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં આ વેધશાળાની મહત્વની ભૂમિકા છે. તો ચાલો આપણે પણ અદ્યતન ટેક્નોલૉજી અને વિજ્ઞાનના સંગમને માણીએ.
અહીં ગ્રહો-નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે
કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેધશાળામાં એક કરોડ રૂપિયામાં લગાવાયેલ 24 ઇંચનું ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે.અહીં સામાન્ય લોકો માટે અત્યાધુનિક ટેલિસ્કોપ લાગેલો છે. આ ટેલિસ્કોપના માધ્યમથી તમે ચંદ્ર, ગુરુ, શનિ અને દૂરના ગ્રહો-નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો.
10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ સુવિધા મફત
પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ.સુમિત વ્યાસ જણાવ્યું હતું કે આકાશીય પદાર્થોને જોવા માટે શિયાળો શ્રેષ્ઠ ઋતુ છે. આ સમયગાળામાં આકાશ મોટા ભાગે ખૂબ જ ચોખ્ખુ હોય છે.ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વેધશાળામાં ગાઇડની સુવિધા પણ છે. જાણકાર ગાઇડ ઉપગ્રહો, તારાઓ અને ગ્રહ-નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે. અહીં શાળાના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ છે, અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ સુવિધા મફત છે.
સાંજે 6 થી 9 વાગ્યા સુધી વેધશાળાની મુલાકાત લઈ શકે છે
પર્યટક વિશાલ શર્માએ જણાવ્યું હતું કે આ વેધશાળાનો મુખ્ય હેતુ માત્ર અવકાશી પદાર્થોના અવલોકન ઉપરાંત નાગરિકોને ‘મનોરંજન સાથે શિક્ષણ’આપવાનો પણ છે. આ વેધશાળા લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થી હોય કે ખગોળશાસ્ત્રી હોય કે પછી સંશોધક, અહીં દરેક વ્યક્તિને અવકાશના રહસ્યોને સમજવાની સમાન તક છે.