Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં હાલ ભક્તોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામમાં આ મંદિરનું અનેરું મહત્વ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પર્વ નિમિત્તે પગપાળા યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા છે, જેના કારણે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
દ્વારકા પદયાત્રામાં જોડાયેલા મોટાભાગના પદયાત્રીઓ હાલ ખંભાળિયાથી આગળ વધી ગયા છે. રસ્તામાં આવેલા સેવા કેમ્પો પદયાત્રીઓની સેવામાં લાગી ગયા છે. દ્વારકામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા પહોંચી ભક્તો ગોમતીઘાટમાં શ્રદ્ધાની ડુબકી લગાવી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. દર્શન બાદ ભક્તો આજુબાજુના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લઈ રહ્યા છે. જેના કારણે દ્વારકાના શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ જેવા પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
2:30 થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
ગરમી અને વ્યવસ્થાના ભાગરૂપે જગત મંદિર પરિસર સહિત અનેક જગ્યાએ બેરીકેટ અને મંડપ ગોઠવવામાં આવ્યા છે. આગામી 14/3/2025, ફાગણ સુદ પૂનમના દિવસે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. તેથી શ્રીજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 14 માર્ચે શ્રીજીની મંગળા આરતી સવારે 6 વાગ્યે થશે, ત્યારબાદ બપોરે 1 વાગ્યે મંદિર બંધ થશે. ઉત્સવ આરતી 1:30 વાગ્યે થશે અને 2:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:30 થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ નિત્યક્રમ મુજબ સાંજની પૂજાવિધિ થશે.
કુંજ એવમ આમલકી એકાદશીના પાવન અવસરે ગઈકાલે દ્વારકા જગત મંદિરમાં ભક્તોનો સાગર ઉમટી પડ્યો હતો. ભક્તોએ ભગવાન દ્વારકાધીશને ફૂલો અને અબીલ-ગુલાલથી રંગીને ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરમાં ઉમટી પડીને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.સવારે શૃંગાર આરતી દરમ્યાન ઠાકોરજીને અબીલ-ગુલાલથી રંગવામાં આવ્યા હતા અને ભાવિકો પણ તેમાં સહભાગી થયા હતા. પૂજારી પરિવાર દ્વારા ગુલાબની પંખુડીઓથી હોળી રમવામાં આવી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.
ગુલાબની પંખુડીઓથી હોળી રમવામાં આવી હતી
ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવાકેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહયા છે.ડી.જે.ના સથવારે નાચતા-નાચતા અંતર કાંપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ પ્રતિબંબિત થઇ રહી હોવાનુ જણાય છે.