ઉત્તર પ્રદેશના વારાણસીમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર આદિત્યવર્ધન સિંહ ગંગા નદીમાં ડૂબી ગયા. માહિતી અનુસાર, આદિત્યવર્ધન તેમના મિત્રો સાથે બિલ્હૌર વિસ્તારમાં ગંગામાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન દરમિયાન, તેઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા અને તેમનો પગ લપસી ગયો. તે સમયે ત્યાં હાજર સ્થાનિક તરવૈયાએ તેમને બચાવવા માટે રૂ. 10,000ની માંગ કરી.
આદિત્યવર્ધન સિંહ ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ વિસ્તારના કબીરપુર ગામના વતની હતા અને તેમનો પરિવાર 16/1435 ઈન્દિરાનગર, લખનૌમાં રહે છે. શનિવારે, આદિત્યવર્ધન તેમના બે મિત્રો પ્રદીપ તિવારી અને યોગેશ્વર મિશ્રા સાથે લખનૌથી કારમાં બાંગરમઉના નાનામાઉ વિસ્તારમાં આવ્યા હતા. તેઓ બિલ્હૌર વિસ્તારના નાનામાઉ ગામ પાસે ગંગામાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે આદિત્યવર્ધનનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા.
આ ઘટના દરમિયાન, પ્રદીપ તિવારીએ મદદ માટે બૂમો પાડી. આ દરમિયાન, એક સ્થાનિક તરવૈયાએ આદિત્યવર્ધનને બચાવવા માટે 10,000 રૂપિયાની માંગ કરી. પ્રદીપ તિવારીએ તુરંત તેના મોબાઈલ ફોનથી 10,000 રૂપિયા સુનીલ કશ્યપ નામના વ્યક્તિના ખાતામાં જમા કર્યા, જેનો પુરાવો પણ તેમણે આપ્યો છે. જોકે, પૈસા ટ્રાન્સફર થવામાં વિલંબ થતા, આદિત્યવર્ધન ઊંડા પાણીમાં ગાયબ થઇ ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે જો સમયસર બચાવ માટેના પ્રયાસો થયા હોત, તો આદિત્યવર્ધનને બચાવી શકાય હોત.
આ ઘટના બાદ કાનપુર પ્રશાસન મોટર બોટ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આદિત્યવર્ધનની શોધખોળ કરી રહી છે, પણ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.