દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર આજે (5 ફેબ્રુઆરી) મતદાન થયું છે અને આગામી 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ત્યારે હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર દેખાઈ છે. આમ આદમી પાર્ટીને ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. વધુ પડતા એક્ઝિટ પોલમાં ભાજપની જીતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ચાણક્ય સ્ટ્રેટજીસના એક્ઝિટ પોલ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચાણક્ય સ્ટ્રેટજીસના એક્ઝિટ પોલના અનુસાર, ભાજપને 39થી 44 બેઠક, આપને 25થી 28 બેઠક અને કોંગ્રેસને 2થી 3 બેઠક મળવાનો અંદાજ છે.દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પહેલા પરિણામમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. MATRIZEના સર્વે અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 32થી 37, ભાજપને 35થી 40 અને કોંગ્રેસને 0થી 1 બેઠક મળવાનો અંદાજ છે.
સૌરભ ભારદ્વાજે શું કહ્યું
દિલ્હી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામો પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી સૌરભ ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલ પર કહ્યું કે, હંમેશા એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીને ઓછી આંકે છે. 2013, 2015 અને 2020માં ફણ એક્ઝિટ પોલ અમને ઓછા જ બતાવી રહ્યા હતા.
પ્રવેશ વર્માએ જીતનો વિશ્વાસવ્યક્ત કર્યો
એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે ભાજપ નેતા પ્રવેશ વર્માએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સાથે મળીને સારું કામ કરવાનું છે. 8 ફેબ્રુઆરીએ કમળ ખીલશે.
8 ફેબ્રુઆરીએ પરિણામ
જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીની તમામ 70 બેઠકો પર 699 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ચૂક્યું છે. હવે 8 ફેબ્રુઆરીની રાહ છે, કારણ કે આ દિવસે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.