Deesa Tragedy: ડીસામાં ગેરકાયદે ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું, પોલીસે બરોબરની સરભરા કરી

Deesa Tragedy illegal factory blast accused were reconstructed

Deesa Tragedy :બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. અગ્નિકાંડમાં ફેકટરીના માલિક દિપક સિંધી અને તેના પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરી ગુરૂવારના રોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ અધિકારીએ આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે કારણો દર્શાવતું સોગંદનામુ રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કોર્ટ દ્વારા 11મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરાતા પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આજે આરોપી દિપક અને ખૂબચંદને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યું હતું. આરોપી દિપક અને ખૂબચંદનું રિકન્સ્ટ્રક્શન સમયે હાલત જોતા લાગતું હતું કે પોલીસે બંને આરોપીઓના બરાબર સરભરા કરી હશે. આરોપી પિતા-પુત્ર ચાલી પણ શકતા નહતા. રિકન્ટ્રક્શન સમયે આરોપીઓને જોવા માટે લોકોના ટોળાં ઉમટ્યાં હતા.

ગોડાઉનમાં ફેક્ટરી ધમધમતી હોવાનું આખરે પોલીસે સ્વીકાર્યું
પોલીસ દ્વારા અંતે રિમાન્ડના કારણોમાં સ્વીકારવામાં આવ્યું છે કે, ગોડાઉનમાંથી ગુનાવાળી જગ્યાના પંચનામા દરમિયાન જે 24 આર્ટિકલ્સ મળી આવ્યા. તેમાં જ્વલનશીલ પદાર્થના નમુનાઓ એફએસએલની સૂચના મુજબ કબજે કરાયા છે. તે ફટાકડા બનાવવાનો કાચો માલ આ કામના આરોપીઓ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા, તેમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ ચાલી રહી છે. ગોડાઉનમાંથી ફટાકડા બનાવવાનું મટિરિયલ રો મટિરિયલ મળી આવ્યું હતું. રો મટિરિયલ ક્યાંથી અને કોના દ્વારા મેળવાતું હતું તેના અંગે આરોપીઓએ હજુ મોંઢા પર તાળા લગાવ્યા છે.

બાળ મજૂરોને કામે રખાયા હતા!
બ્લાસ્ટમાં મૃત્યુ પામેલામાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ દ્વારા બાળકો પાસે બાળ મજૂરી કરાવાતા હતા કે, કેમ તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત દીપક ટ્રેડર્સમાં પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ ભાગીદાર હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુનો કર્યા બાદ પાલનપુર થઈ સાબરકાંઠા ગયા તે દરમિયાન કોને મળ્યા તેની પણ હાલમાં તપાસ ચાલી રહી છે. આ પ્રકારના 16 જેટલા મુદ્દાઓ રજૂ કરી સરકાર દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

અગ્નિકાંડમાં પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યા
ઉલ્લેખનીય છે કે ડીસાના ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં અનેક શ્રમિકોના મોત થતા તેમના પરિવારે મુખ્ય આધાર ગુમાવ્યો હતો. ફટાકડાની ફેકટરીના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે સ્લેબ ધરાશાયી થતા અંદર કામ કરતા અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. ફેકટરીમાં મૃત્યુ પામનાર મોટાભાગના શ્રમિકો ગુજરાત બહારના પરપ્રાંતિય લોકો એટલે કે મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકારે 18 મૃતકોને મધ્યપ્રદેશ સરકારને સુપરત કરતા આજે મધ્યપ્રદેશમાં હરદા અને દેવાસ જિલ્લામાં 18 શ્રમિકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતકોની ઓળખ ના થઈ શકતા ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. બંને મૃતકોની લાશ ગુજરાતમાં છે.

સંસદ સુધી મુદ્દો ગાજ્યો
ડીસા અગ્નિકાંડનો મુદ્દો વિધાનસભાથી માંડી સંસદમાં ગુંજ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને મૃતકના પરિજનોને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ માગ કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ ડિસામાં ફટાકડાની ફેકટરીમાં આગની ઘટનામાં 21 લોકોના મોત થયા હતા.


Deesa fire incidentનો મુખ્ય આરોપી ભાજપનો નેતા, શું હવે નીકળશે વરઘોડો ?

Deesa fire incidentનો મુખ્ય આરોપી ભાજપનો નેતા, શું હવે નીકળશે વરઘોડો ?

 

 


Follow us on:  WhatsApp Channel | Youtube | Instagram | Facebook | X (Twitter)

Scroll to Top