Congress Adhiveshan: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બુધવારે બીજો દિવસ છે. આ અધિવેશનમાં 2027ની ચૂંટણીને લઇ રણનીતિ ઘડાઇ રહી છે. કોંગ્રસ નેતા સચિન પાયલોટે કહ્યું હતું કે 2025નું વર્ષ એટલે કોંગ્રેસ માટે સંગઠનનું વર્ષ પરંતુ ગુજરાત કોંગ્રેસની અંદર જે જુજારૂ નેતા છે, જે જમીન ઉપર લડી રહ્યાં છે તેમના એક નેતા નયનાબા જાડેજા (Naynaba Jadeja)નું મોટું નિવેદન સામે આવ્યું છે.
મહિલાઓનો મુદ્દો કે હોય કે નાનામાં નાનો મુદ્દો હોય નયનાબા જાડેજા તેની સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના બહેન નયનાબા જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નયનાબાએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે એક થઇને લડી છે ત્યારે પરિણામ આપ્યું છે. કોંગ્રેસનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે તેમના કાર્યકરો અને નેતાઓ લોકો વચ્ચે જાય અને તેમના પ્રશ્નોને વાચા આપે, સંગઠન હજુ વધુ મજબૂત બને તેના માટે પ્રયત્ન કરીશું. સંગઠન એટલે તાકાત, એકતા એટલે તાકાત. 2027માં ભાભી રિવા બા (Rivaba Jadeja) સામે ઉતરવાનું થાય ત્યારે આ વખતે વધુ આક્રમકતાની સાથે ઉતરીશું. 2017માં કોંગ્રેસની આક્રમકતાની સાથે લડ્યા હતા. આ વખતે તો ઘણા મુદ્દા છે. હવે લોકો પણ થાકી ગયા છે. હવે અમારી મહેનત અને લોકોનો સાથ મળી જશે ત્યારે આ સરકારની હાર નક્કી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે દેશના કોંગ્રેસ નેતાઓનો જમાવડો થયો છે અને પાર્ટીના એજન્ડા ઉપર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં અનેક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. એટલું જ નહીં. ગુજરાત કોંગ્રેસ અંગે મોટા ફેરફારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.
દેશ પર સંકટના વાદળો ઘેરાય ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરાએ કહ્યું હતું કે ‘કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીત થશે.