દેશને હચમચાવી નાખનાર ઝેરી Cough Syrup કાંડમાં હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આપવામાં આવેલી યાદી બાદ સેન્ટ્રલ એજન્સીઓએ ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, સુરેન્દ્રનગર સ્થિત શેપ ફાર્મામાં બનેલી “રિલાઈફ સિરપ” અને બાવળાની રેડનોનેક્સ ફાર્માસ્યુટિકલ્સની “રેસ્પિફ્રેસ TR” સિરપમાં DGE (Diethylene Glycol) નું પ્રમાણ મંજૂર મર્યાદાથી વધુ જોવા મળ્યું છે. આ જ ઝેરી તત્વના કારણે મધ્યપ્રદેશમાં 16 બાળકોના મૃત્યુ થયા હોવાનું અનુમાન છે.
મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગની સૂચના પછી કેન્દ્રની તપાસ એજન્સીઓએ બંને કંપનીઓના પ્લાન્ટમાં વિશાળ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. ફાર્મા પ્લાન્ટમાંથી સેમ્પલ લઈ તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ કેટલાક બેચમાં ગંભીર ત્રુટિઓ જણાઈ છે. DGE (Diethylene Glycol) એક ઝેરી રસાયણ છે, જે Cough Syrup માં ગ્લિસરિનના વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ વધુ માત્રામાં તે માનવ શરીર માટે અતિ જોખમી છે — ખાસ કરીને બાળકોમાં કિડની ફેલ થવા, ન્યુરોલોજિકલ ડેમેજ અને મૃત્યુ સુધી પહોંચાડે છે.
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)એ જણાવ્યું છે કે બંને ફાર્મા કંપનીઓના પ્રોડક્શન યુનિટ હાલ સીલ કરવામાં આવ્યા છે અને પુરાવાઓનું વિશ્લેષણ ચાલુ છે. જો ત્રુટિ સાબિત થશે તો ડ્રગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો – Aniruddhsinh બાદ જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી



