– DAP ખાતર ના મળતું હોવાને કારણે ખેડૂતો હેરાન
– ગુજરાતના કૃષિ મંત્રીએ ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત હોવાની વાત સ્વીકારી
– કૃષિ મંત્રી સ્પષ્ટતા કરે કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલો ખાતરનો જથ્થો ફાળવશે – લલિત વસોયા
ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ તેમજ કમોસમી વરસાદને લઈને ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. ખેડૂતોએ વાવેતર કરેલા વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. રવિ પાકની વાવણી અગાઉ જ પાયાનું ખાતર એવા DAP ખાતરની અછત વર્તાઈ રહી છે જેના કારણે ખેડૂતોને ખાતર ન મળતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
સવારથી લાઈનમાં ઉભા રહે ત્યારે માત્ર બે થેલી DAP ખાતર મળે છે
કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ખાતરનો જથ્થો એક અઠવાડિયામાં મળી જશે. આ નિવેદન પર કોંગ્રેસના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે ખાતર નહીં મળે તો રવિ પાકના વાવેતરમાં વિંલબ થશે અને ખેડુતોને ખુબ નુકશાન થશે. કૃષિ મંત્રી સ્પષ્ટતા કરે કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલો ખાતરનો જથ્થો ફાળવશે. તેમણે વધુમાં કહ્યું કે રવિ પાકના વાવેતરમાં વિલંબ થશે તો ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે. ભાજપ સરકાર ખેડુતો સાથે અન્યાય કરે છે. કૃષિ ઉત્પાદનના યોગ્ય ભાવ ખેડુતોને મળતા નથી.ખેડુતો સવારથી લાઈનમાં ઉભા રહે છે ત્યારે માત્ર બે થેલી DAP ખાતર મળે છે.
ખાતર ન મળતા ખેડૂતોને ભારે નુકશાની
ધોરાજી પંથકમાં ઘણા દિવસોથી DAP ખાતરની અછત વર્તાઈ રહી છે. એક તરફ ચોમાસુ પાક સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે શિયાળુ પાક સારો થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે. પરંતુ ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢામાંથી કોળિયો જાણે છિનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદવાના નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો હાલ મુશ્કેલી થઈ રહી છે.