સુરેન્દ્રનગરઃ ચુડામાં આવેલી આબદ કોટેક્ષ જીનના માલિકોએ 30થી વધુ ગામના ખેડૂતો, વેપારીઓ અને દલાલો પાસેથી કપાસની ખરીદી કર્યા બાદ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. તેમજ મિલને મોબાઇલ બંધ કરી ફરાર થઈ જતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ભોગ બનનારની યાદી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાની નવ વ્યક્તિ સામે ચુડા પોલીસ મથકમાં અરજી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર અને ઉત્પાદન થાય છે. કપાસના ઉત્પાદન સમયે વેપારીઓ અને દલાલો ફુટી નીકળે છે અને ઊંચા ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે. બાદમાં નાણા ન ચુકવાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. થોડા સમય પહેલા ચોટીલામાં પણ જીનીંગ ફેકટરીમાં રાતોરાત તાળા લાગી ગયા હતા અને માલિકો કરોડો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા હતા. આવો જ બનાવ ચુડામાં પણ બન્યો છે.
ચુડા-વસ્તડી રોડ પર આબાદ કોટેક્ષ નામનું જીન આવેલું છે. બહારના જિલ્લાના અમુક શખસ 6 માસથી જીન ભાડે રાખી વેપાર કરતા હતા. જીનમાં વઢવાણ, બોટાદ, ચુડા, રાણપુર, સાયલા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો અને વેપારીઓ બીટી કપાસનું વેચાણ કરતા હતા. જીનના સંચાલકો શરૂઆતમાં ઊંચા ભાવે ખરીદેલા કપાસના નાણા ખેડૂતોને ચૂકવાતા આનંદમાં આવી ગયા હતા. ત્યારબાદ ખેડૂતોને વિશ્વાસમાં લઈને અન્ય ખેડૂતોના કપાસની ખરીદી કરી હતી. શરૂઆતમાં સમયસર કપાસના પૈસાની ચુકવણી કરવામાં આવતી હતી પરંતુ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખોમાં જીન સંચાલકોએ ફોન બંધ કરી ફરાર થઈ ગયા છે.
વેપારીઓએ જીન માલિકોના વિશ્વાસે જીન સંચાલકોને બાકીમાં કપાસ આપ્યો હતો. સંચાલકો ભાગી ગયા અને જીન માલિકો ઉડાઉ જવાબ આપે છે. આથી 29 જેટલા ખેડૂતો અને વેપારીએ નામ અને લેણી રકમ ( 3,32,59,100)ના લિસ્ટ સાથે ચુડા પોલીસ મથકે આબાદ કોટેક્ષ જીનીંગ ફેકટરીના માલિક વલીભાઇ મહમદભાઇ માકડ, સાકીરભાઇ વલીભાઇ માકડ, મુબારકભાઇ, રીઝવાનભાઇ, ભાવેશભાઇ બાવાભાઇ જીંજાળા (માધવ એન્ટરપ્રાઇઝ, ઉના-મહુવા હાઇવે, જિ.અમરેલી), સલીમભાઇ (કે.કે.ટ્રેડીંગ, માર્કેટ યાર્ડ, સાવરકુંડા), રવીભાઇ વાળા, મહમદભાઇ (રહે.માણાવદર) અને ખોડલ કોટન (આસોદર,તા.લાઠી,જિ,અમરેલી) સામે અરજી આપી ગુનો દાખલ પોલીસ મથકે અરજી આપી ન્યાયની માગ કરી હતી.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં હથિયારનો પરવાનો ધરાવતાં 17 શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો કેમ દાખલ?