- બાળ લગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ
- 1929માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો
- બાળલગ્નને કારણે નાની ઉંમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે. તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે.
Child Marriage | અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે. ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવેના નેતૃત્વમાં બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનીયમ મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ સજાને પાત્ર ગુનો છે અને આ સામાજિક દૂષણ પણ છે. બાળલગ્નને કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય ઉપર ઘણી વિપરીત અસરો થાય છે જેથી બાળલગ્નને અટકાવવા આવશ્યક છે.
ખાસ તો બાળ લગ્ન ન થાય તે માટે માતા પિતા ઉપરાંત સમૂહ લગ્નના આયોજકો,સામાજિક આગેવાન, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન કરનાર, ફોટોગ્રાફર, લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારોએ બાળલગ્ન ન થાય તેની વિશેષ કાળજી રાખવી આવશ્યક છે.
બાળકોના બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ ઉંમર પૂર્ણ થયે જ દીકરા-દીકરીના માતા-પિતા પરિવાર દ્વારા દીકરા દીકરીના વગ્નનું આયોજન કરવું જોઈએ,આસપાસના વિસ્તાર, ગામ કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તે તકેદારી રાખવી જો બાળ લગ્ન થાય તો એક લાખનો દંડ અને બે વર્ષની કેદની સજાની જોગવાઈ છે.
આમ, સામાજિક જવાબદારી સમજી બાળલગ્નને અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ-સ્ટેશનમાં અથવા ગાંધીનગર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા હેલ્પલાઈન ફોન નંબર 079-23253266 જાહેર કરવામાં આવ્યો છે તદુપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન (1098), પોલીસ (100), અભયમ હેલ્પલાઇન (181) સહિતના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો, તેમ ગાંધીનગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારો સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આઝાદીના 76 વરસ અને 1929માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયાના સવા નવ દાયકા પછી પણ હજુ બાળલગ્નની કુરીતિ ગઈ નથી. બાળલગ્નને કારણે બાળપણ છીનવાઈ જાય છે. ભણવા-ખેલવાની ઉંમરે તેમના માથે સમાજિક બેડીઓ અને જવાબદારીઓ નાંખી દેવામાં આવે છે. બાળલગ્નને કારણે નાની ઉંમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે. તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે.બાળલગ્ન બાળ અધિકાર પર તરાપ છે. તેનાથી હિંસા અને યૌનશોષણનું જોખમ રહે છે. વહેલા લગ્નથી શિક્ષણ અધૂરું રહે છે અને રોજગાર ક્ષમતા ઘટે છે. આરોગ્ય, માનસિક વિકાસ અને આનંદપ્રદ જીવન પર મોટી અસર પડે છે.