ભૂપેન્દ્ર પટેલના પીએ ધ્રુમિલ પટેલ બાદ વધુ એક વિકેટ પડી
મુખ્યમંત્રીના મદદનીશ નીલ પટેલની CMOમાંથી હકાલપટ્ટી
જીલ્લા પ્રમુખની યાદી લીક કરતા વિવાદ સર્જાયો હતો
‘કમલમ’થી ફરિયાદ થતાં PMOએ ગંભીર નોધ લીધી
Gujarat Politics | મુખ્યમંત્રી કાર્યાલયમાં (CMO Gujarat) થી ધ્રુમિલ પટેલ બાદ વધુ એક વિકેટ પડી છે. મુખ્યમંત્રીના મદદનીશ તરીકે ફરજ બજાવતા નીલ પટેલની CMOમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ‘કમલમ’થી ફરિયાદ થતાં PMOએ ગંભીર નોધ લેતા આ પગલું ભરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.
મુખ્યમંત્રી કાર્યાલય ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયુ છે તેનુ કારણ એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની ગુપ્ત માહિતી લીક કરવાના આરોપસર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવાની હતી અને તમામ જિલ્લા મથકોએ નીરીક્ષકોને મોકલી પ્રક્રિયા હાથ ધરવાની હતી પણ તે પહેલાં જ નીલ પટેલે જીલ્લા પ્રમુખોની યાદી લીક કરી દીધી હતી. આ ઉપરાંત અન્ય ગુપ્ત માહિતી પણ લીક કરી હોવાનું કહેવાય છે.
જીલ્લા પ્રમુખ મુદ્દે ભાજપનુ પેપર ફુટી જતાં રાજ્યસભાના સભ્ય મયંક નાયક સહિતના નીરીક્ષકોએ જિલ્લા મથકે જઈને ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. કેમકે, નામ જાહેર કરે તે પહેલાં પસંદ થયેલાં જીલ્લા પ્રમુખોને ગંધ આવી ગઇ હતી. આખરે આ મામલે કમલમથી વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. આખરે નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાં ન આવવા સૂચના આપી દેવામાં આવી હતી. જે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પીઆરઓ હિતેશ પંડ્યાનું રાજીનામુ માંગી લેવાયું
જોકે, અગાઉ પણ મુખ્યમંત્રી કાર્યાલય આવા વિવાદોના કારણે ચર્ચામાં રહ્યું છે. અગાઉ જનસંપર્ક અધિકારી (PRO) હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાની પીએમઓ અધિકારી હોવાનો ઢોંગ કરતા કિરણ પટેલ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ પટેલ કેસમાં પુત્ર અમિત પંડ્યાને સમન્સ પાઠવ્યા બાદ હિતેશ પંડ્યાને પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. આખરે હિતેશ પંડ્યાએ 25 માર્ચ, 2023ને રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સીએમના પીએ ધ્રુમિલ પટેલને રવાના કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં મુખ્યમંત્રીના પીએ તરીકે કામ કરતા ધ્રુમિલ પટેલ સામે આરોપ હતો કે, તે આઈએએસ કક્ષાના અધિકારીઓને ફોન કરી અને સલાહ આપતા હતા. આ ઉપરાંત તેમને જમીનને લગતી ચોક્કસ ફાઈલ પર મંજૂરી આપવા માટે પણ આગ્રહ રાખતા હતા. જેની ફરિયાદ સંગઠનથી લઇ છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચી હતી. જોકે, ફરિયાદો છતાં વોર્ડ પ્રમુખ બનાવી ધ્રુમિલ પટેલને સાચવી લેવાયા છે. આમ અંગત મદદનીશથી માંડી અન્ય અધિકારીઓનો એક પછી એક વિવાદમાં સપડાઇ રહ્યાં છે જેથી મુખ્યમંત્રી કાર્યાલય પણ ચર્ચામાં રહ્યું છે.
મુખ્યમંત્રી દિલ્હી દોડ્યાંને, રાજકારણ ગરમાયું
મુખ્યમંત્રી આજે ઓચિંતા દિલ્હી દોડડ્યાં હતાં પરિણામે ફરી એકવાર ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો ગરમાયો હતો. આમેય આજ સપ્તાહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને સૂચક ગણાવાઇ રહી છે. જોકે, સત્તાવાર રીતે કહેવાયુ છેકે, વિકાસના મુદ્દા ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે તે મુદ્દે વડાપ્રધાન પાસે માર્ગદર્શન મેળવાયુ હતું.
વી ડી વાઘેલાનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાયો
હિતેશ પંડ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય (C.M.O)ના વરિષ્ઠ અધિકારી વી ડી વાઘેલાની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ C.M.O.માં ટાઉન પ્લાનિંગને લગતી કેટલીક નિર્ણાયક ફાઇલોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર આક્ષેપ થયા હતા. વાઘેલા અમદાવાદ અને AUDAની ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતી કેટલીક ફાઇલોમાં ભષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. આમ, વાઘેલાને પણ તાત્કાલિક ધોરણે જ બરતરફ કરવાનો હુકમ કરવામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, તેનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી ફરીથી તે કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરીને તેને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ જણાવ્યું હતું.