BRICS: પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલનમાં લેશે ભાગ

BRICS

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 9 જુલાઈ દરમિયાન પાંચ દેશોની મુલાકાતે જશે. આમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતોનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેઓ 6-7 જુલાઈના રોજ બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સંદર્ભમાં, સચિવ (પૂર્વ) પી. કુમારને સોમવારે એક પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ કાર્યક્રમ અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે માહિતી આપી.

BRICS નેતાઓનું 17મું શિખર સંમેલન રિયો ડી જાનેરોમાં યોજાશે. શિખર સંમેલન દરમિયાન, PM Modi વૈશ્વિક શાસનમાં સુધારો, શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા, કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક આરોગ્ય, આર્થિક અને નાણાકીય બાબતો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. પ્રધાનમંત્રી સમિટ દરમિયાન ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.

પ્રધાનમંત્રીનો પાંચ દેશોનો પ્રવાસ

Ghana પ્રવાસ (2-3 જુલાઈ) – વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી દ્વિપક્ષીય મુલાકાત પર પ્રથમ વખત ઘાના જશે. ત્રણ દાયકા પછી આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત હશે. તેઓ ઘાનાના રાષ્ટ્રપતિને મળશે અને આર્થિક, ઉર્જા, સંરક્ષણ અને વિકાસ સહયોગ અંગે ચર્ચા કરશે. આ મુલાકાત ભારત-પશ્ચિમ આફ્રિકન સંગઠન અને આફ્રિકન યુનિયન સાથે ભારતની ભાગીદારીને મજબૂત બનાવશે.

ત્રિનિદાદ અને ટોબેગો (3-4 જુલાઈ)- પ્રધાનમંત્રી મોદી ૩-૪ જુલાઈના રોજ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેશે. 1999 પછી આ પ્રથમ પ્રધાનમંત્રી સ્તરની મુલાકાત હશે. તેઓ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગલુ અને પ્રધાનમંત્રી બિસેસરને મળશે અને સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી ગતિ આપશે.

આર્જેન્ટિનાની મુલાકાત (4-5 જુલાઈ)- પ્રધાનમંત્રી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલીના આમંત્રણ પર 4-5 જુલાઈના રોજ સત્તાવાર મુલાકાત લેશે. સંરક્ષણ, કૃષિ, ખાણકામ, ઉર્જા, વેપાર અને જાહેર સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. આ મુલાકાત ભારત-આર્જેન્ટિના વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.

બ્રાઝિલ મુલાકાત (5-8 જુલાઈ) – પ્રધાનમંત્રી 17મા BRICS સમિટમાં હાજરી આપવા માટે રિયો ડી જાનેરો જશે. ત્યારબાદ તેઓ બ્રાઝિલિયામાં રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

નામિબિયા મુલાકાત (9 જુલાઈ) – મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી નામિબિયાની મુલાકાત લેશે, જે દેશની તેમની પ્રથમ મુલાકાત હશે. તેઓ રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-નદૈતવાહ સાથે વાટાઘાટો કરશે અને નામિબિયાના સ્થાપક પિતા સ્વર્ગસ્થ સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ સંસદને પણ સંબોધિત કરશે.

 

Scroll to Top