Botad News | ગઢડા (Gadhada) તાલુકા ભાજપ પ્રમુખને RSS ના નેતા સંજય જોષી (Sanjay Joshi)ને હેપી બર્થડે કહેવું ભારે પડયું. ત્રણ માસ પૂર્વે જ નિયુક્ત થયેલાં પ્રમુખનુ રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. જન્મ દિવસની શુભેચ્છા પાર્ટી વિરૂધ્ધનું કૃત્ય નથી કહીં તાલુકા પ્રમુખએ રાજીનામું આપવાનો ઇન્કાર કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે, ત્રણ માસ પૂર્વે જ નિયુક્ત થયેલાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી જિલ્લા પ્રમુખે એકાએક અગમ્ય કારણોસર રાજીનામું માંગી લેતાં બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા આપતાં તેમનું રાજીનામું માંગી લેવાયું હોવાનો તાલુકા પ્રમુખના દાવા સામે જિલ્લા સંગઠને મૌન સેવ્યું છે. જો કે, રાજીનામું માંગી લેવા પાછળના કારણોને લઈ વિવિધ અટકળો અને તર્ક શરૂ થયા છે.
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રદેશની સૂચનાથી પ્રકાશ સાંકળિયા (Prakash Sankaliya)નું ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું માંગી લીધું હતું. જો કે, જિલ્લા પ્રમુખે રાજીનામું માંગી લેવાનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. બીજી તરફ, આ મામલે તાલુકા પ્રમુખ સાંકળિયાએ જણાવ્યું કે,સંઘ અને ભાજપના નેતા સંજય જોષી (Sanjay Joshi)ને 6 એપ્રિલના રોજ તેમના જન્મદિવસ નિમિતે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હોવાથી તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે.
પ્રકાશ સાંકળિયાએ પાર્ટી વિરૂદ્ધ કે કંઈ ખોટું કર્યું ન હોવાથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાનો ઇન્કાર કરી દિધો હતો. જયારે બોટાદ ભાજપ વર્તુળોમાં તાલુકા પ્રમુખની રાજીનામાની વાત વાયુવેગે પ્રસરતાં મોંઢા એટલી વાતો શરૂ થઈ હતી. ભાજપ પાર્ટી વ્યકિગત સંબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામું માંગી લે તે વાત કાર્યકરોના ગળે ઉતરતી ન હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ મામલો બોટાદ ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે.