Rajkot News | ગુજરાતમાં પહેલાં દવાઓ નકલી આવી, પછી દવા આપનાર ડોક્ટરો નકલી આવ્યાં, પછી નકલી માર્કશીટ આવી, પછી નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા, પછી નકલી પરિણામો આવ્યો, પછી નકલી દવાઓ આવી જેમાં સિરપના નામે નશો કરાતો હતો, પછી નકલી ટોકનાકું પકડાયું, આટલું પુરતું નહોંતું તો નકલી પોલીસ, નાની પોલીસ પછી અધિકારીઓ નકલી, ત્યાં સુધી કે નકલી IPS અધિકારી, CMO અને PMO માં કામ કરતા હોવાનું કહીને રોફ મારતા નકલી અધિકારીઓ, મંત્રીના નકલી પીએ, નકલી ડોક્ટરો, નકલી સરકારી કચેરીઓ, કોર્ટમાં નકલી જજ હોવાનું સામે આવી ચુક્યું છે. આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું અત્યાર સુધી સામે આવી ચુક્યું છે. નકલીમાં ગુજરાતનો નંબર આગળ વધારવા વધુ એક છલાંગ કોઈકે લગાવી છે. જેમાં હવે જમીનના ભાવો વધે તે માટે ભેજાબાજોએ ‘નકલી નકશો’ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જીવનમાં બસ હવે એક આ જ જોવાનું બાકી રહી ગયું હતું. એ પણ જોઈ લીધું.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના નામનો બોગસ નકશો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નકશામાં રાજકોટ નજીકના 24 નવા ગામને રૂડામાં સમાવેશ કર્યો હોવાનું દર્શાવાયું છે. નકલી નકશો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બિલ્ડર-આર્કિટેક અને વકીલો પણ દ્વિધામાં મુકાયા છે. નકલી નકશામાં રાતોરાત રૂડાની ચારેય દિશામાં હદનો વધારો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ જમીનના ભાવો ઉચકાય તે માટે આ કૃત્ય આચરવામાં આવ્યું છે. જો કે, આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રૂડાનાં સીઇઓએ જણાવ્યું છે.
અત્યારે રૂડામાં 48 ગામનો સમાવેશ છે. રૂડાની હદ 512 સ્કવેર કિલોમીટર સુધી છે, તેમાં કોઈએ નવા 24 ગામનો ઉમેરો કરી નવો ભેજાબાજે નકશો ફરતો કર્યો છે. આ નકશો ટોચના વકિલ તેમજ આર્કિટેકના ગ્રુપમાં મુકવામાં આવતા વકિલ, બિલ્ડરોએ તપાસ હાથ ધરી છે. અગાઉ વર્ષ 2007માં રૂડાએ નવા ગામોની દરખાસ્ત સરકારમાં કરી હતી, પરંતુ તે નામંજૂર કરી દેવામાં આવી હતી. તે નકશાને મોડિફાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
બે દિવસથી આ નકલી નકશો ફરી રહ્યો છે
ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચકાય તે માટે નકલી નકશો બનાવી રમત કરવામાં આવી. છેલ્લા બે દિવસથી રાજકોટના સોશિયલ મીડિયા, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના તથા ગ્રામ પંચાયતના ગ્રુપમાં આ નકલી નકશો ફરે છે.ત્યારે આ નકલી નકશો બનાવનારા સામે રૂડાના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ..
24 ગામોનો બારોબાર ઉમેરો કરી દીધો
નવા નકશામાં રાજકોટ, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા તાલુકાના ગામોનો સમાવેશ રૂડામાં કરી દેવામાં આવ્યો છે. તેમાં મોરબી રોડ ઉપરના કાગદડી, બેડી, હડાળા, પડધરીના અડબાલકા, ઉકરડા, ડુંગરકા, મોવિયા, રામપર મોટા, ખંભાળા, ઢોકળીયા, ગોંડલ રોડ ઉપરના રીબડા, ગુંદાસરા, અરડોઈ, હડમતાળા, કોટડાસાંગાણી, પીપળીયા, ભુણાવા, હિરાસર, રામપરાબેટી, કુચિયાદળ, સાયપર સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp