BJP MLA અને મંત્રી મુકેશ પટેલનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો
BJP MLAના પુત્ર વિશાલે 2022માં નાગાલેન્ડથી ત્રણ વર્ષ અગાઉ લાઇસન્સ મેળવ્યું હતું
Fake gun licence racket | બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા 17 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર-નાગાલેન્ડ (Manipur-Nagaland) થી બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. છે. આ ક્રમમાં નવું નામ ઉમેરાયું છે દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભામાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્રનું. મુકેશ પટેલના દીકરા વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયારનું લાઈસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં સુરતના એક મંત્રીના પુત્રની છેલ્લા બે-ત્રણ દિવસથી ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન, સોમવારે (14 એપ્રિલ) મીડિયામાં ફરતા થયેલા પુરાવાઓ મુજબ સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા અને મૂળ ઓલપાડ (Olpad)ના વતની તેમજ ત્યાંના જ ધારાસભ્ય મુકેશ પટેલ (MLA Mukesh Patel)ના દીકરા વિશાલે (Vishal Patel) વર્ષ 2022માં નાગાલેન્ડથી ત્રણ વર્ષ અગાઉ લાઇસન્સ મેળવ્યું હતું.
લાઈસન્સમાં વર્તમાન રહેણાંકની કોલમમાં દીમાપુરનું રાઝુફે ઈન્ડસ્ટ્રીયલ વિલેજ ઘર નં.123નું સરનામું છે. જયારે વેપન લાઇસન્સ બુકમાં વિશાલ પટેલનું સરનામું પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત લખવામાં આવ્યું છે. પરંતુ, પોલીસ સ્ટેશનના કોલમમાં જહાંગીરપુરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિશાલ પટેલે સપ્ટેમ્બર 2022માં લાઈસન્સ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર સહિતના દસ્તાવેજો નાગાલેન્ડ ઑથોરિટીને આપ્યાં હતા. લાઈસન્સ ઇશ્યુ થયું છે તેમાં યુનિક આઇડેન્ટીફીકેશન નંબર હાથથી લખવામાં આવ્યો છે અને તે લાઈસન્સ ઉપરાંત અન્ય બે વ્યક્તિના લાઈસન્સની સુરત પોલીસ (Surat Police)માં ટેકન ઓવરની અરજી કરી નોંધણી કરાવી દીધી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ના અધિકારીઓનો સંપર્ક કરતા આ પ્રકરણમાં તપાસ ચાલી રહી હોવાનું જણાવી તે સાચું છે કે ખોટું તે તપાસ બાદ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.