BJP Gujarat: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામે વીજચોરીનો મોટો કેસ સામે આવ્યો છે. પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) એ ભાજપના નેતા સુરસિંહ મોરી સામે ₹1,33,36,893/- રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. વિશેષ વાત એ છે કે, સુરસિંહ મોરી માત્ર સામાન્ય નાગરિક નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન તથા ભાજપના જિલ્લા સ્તરના અગ્રણીઓમાંના એક છે.
આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે સુરસિંહ મોરીએ દંડ ભરવાને બદલે ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ આ પત્રનો પ્રથમ પેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોરીએ પોતાના પક્ષ સાથેના લાંબા સમયથીના જોડાણ અને સેવા કાર્યોની યાદી આપી છે.
પત્રમાં તેઓ લખે છે કે: “હું કોડીનાર તાલુકાના દેવળી ગામનો રહેવાસી છું અને 1990થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું. મેં જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે સેવા આપી છે અને સતત પાર્ટી માટે કાર્યરત છું.” આ સાથે તેમણે દંડને ખોટી ગણતરીનો પરિણામ ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ, આઈસ ફેક્ટરીનું વીજ જોડાણ સીઝનલ છે, કારણ કે માછીમારીનો ધંધો માત્ર મે થી ઓક્ટોબર વચ્ચે જ ચાલે છે. ચોમાસા દરમિયાન ફેક્ટરી બંધ રહેતી હોવાથી વીજ વપરાશ પણ ખૂબ ઓછો રહે છે. તેમના દાવા મુજબ, આ બાબતને ધ્યાનમાં લીધા વિના PGVCLએ બીલ તૈયાર કર્યું છે.



