BCCI ની રીવ્યું બેઠકમાં રોહિત શર્મા અંગે થયો મોટો ખુલાસો

Rohit Sharma: ભારતીય ટીમમાં રોહિત શર્માની જગ્યા અને કેપ્ટનશિપને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ટીમના પ્રદર્શનની સમીક્ષા બેઠક દરમિયાન આ અંગેની મોટી માહિતી સામે આવી છે. હાલમાં ભારતીય ક્રિકેટમાં કંઈ ખાસ સારું ચાલી રહ્યું નથી. ટીમને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના પછી કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી અને રોહિત શર્મા (Rohit Sharma) જેવા સિનિયર ખેલાડીઓ ચાહકોના નિશાના પર છે. ખાસ કરીને ટીમમાં રોહિતના (Rohit Sharma) સ્થાન અને કેપ્ટનશિપને લઈને સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દરમિયાન તેમની કેપ્ટનશિપને લઈને મોટી માહિતી સામે આવી છે.

ભારતીય ક્રિકેટમાં કંઈ ખાસ સારું ચાલી રહ્યું નથી

11 જાન્યુઆરીએ મુંબઈમાં ભારતીય ટીમના પ્રદર્શનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમુક અહેવાલ મુજબ, સમીક્ષા બેઠકમાં BCCI અધિકારીઓએ કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને પ્રશ્નો પૂછ્યા હતા. રિપોર્ટ અનુસાર આ દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) એ સ્પષ્ટ કર્યું કે આગામી કેપ્ટન મળ્યા બાદ તે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે.

જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે પણ ચર્ચા થઈ

રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મીટિંગ દરમિયાન રોહિતે કહ્યું કે તે હજુ થોડા મહિનાઓ સુધી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેવા માંગે છે અને ત્યાં સુધી બોર્ડે નવા કેપ્ટનની શોધ ચાલુ રાખવી જોઈએ. રોહિતે એમ પણ કહ્યું કે બોર્ડ નવા કેપ્ટન તરીકે જેને પણ પસંદ કરશે તેને તે સંપૂર્ણ સમર્થન આપશે. બેઠક દરમિયાન જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. જો કે, આ અંગે એક સભ્યએ કહ્યું કે બુમરાહ હમણાં જ ઈજાગ્રસ્ત થયો છે, તેથી તેના કામના બોજનું ધ્યાન રાખવું જરૂરી રહેશે, જેના પર અન્ય અધિકારીઓએ કહ્યું કે આ અંગે પછી ચર્ચા કરવામાં આવશે.

Scroll to Top