Arjunbhai Modhwadia: ઘેડ પંથકમાં હવે નહીં ભરાઈ પાણી,સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન

Arjunbhai Modhwadia: વરસાદ પડતાની સાથે ઘેડ પંથકમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે.આ સમસ્યાના ઉકેલ માટે સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.આ અંગે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjunbhai Modhwadia) એ રાજય સરકારનો આભાર માન્યો હતો.

અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

વિધાનસભાની બહાર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia) એ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત-આઠ તાલુકામાં વિસ્તરેલ ઘેડ પંથક દરિયાની સપાટી સમકક્ષ અથવા નીચા લેવલ ઉપર હોવાના કારણે ત્યાં દર ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે. સરકારે ઘેડની આ સ્થિતીનો અભ્યાસ કરવા માટે ખાનગી કંપનીને કામ સોંપેલ છે. જેનો અહેવાલ જુલાઈ – 2025માં આવશે.

સંકલીત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે

આ અભ્યાસના આધારે આખા ઘેડ પંથકનો એક સંકલીત પ્રોજેક્ટ બનાવી સમસ્યાઓના કાયમી ઉકેલ માટેની યોજનાનો અમલ કરવામાં આવશે. આ યોજનાને રાજ્ય સરકારે બ્લોક એસ્ટીમેન્ટ તરીકે સૈદ્ધાંતિક મંજુરી આપી છે, તેમજ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાના એસ્ટીમેન્ટના આધારે નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.આ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia) એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયાનો આભાર માન્યો હતો.

Scroll to Top