રાજકોટ: ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમના વાડી વિસ્તારમાં 37 વર્ષીય રાજેશ ઉર્ફે અમિત ખૂંટએ 5 મે 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના 39 વર્ષીય મોટાભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા, બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રીબડા ગામે દુષ્કર્મ કેસના આરોપી અમિત ખૂંટ આપઘાત કેસમાં સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરૂ છું નો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરું છું.
3 મે 2025, શનિવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 વર્ષીય મોડેલિંગનું કામકાજ કરનારી સગીરા દ્વારા અમિત ખૂંટ વિરુદ્ધ બીએનએસ ની કલમ 137 (2), 64(1) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. મૃતક અમિત ખૂંટને સંતાનમાં નવ વર્ષનો દીકરો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે ખેતી કામ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે ઉમટી પડ્યા હતા.

અમિત ઉપર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહએ હુમલો કર્યો હતોઃ મનીષ ખૂંટ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ ખૂંટ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોય જે બાબતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ તેમજ તેમના પુત્ર રાજદીપસિંહ દ્વારા મરણ જનાર અમિત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 22 ડિસેમ્બર 2022 ના રોજ રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી, આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ મૃતક અમિત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમિતને હનીટ્રેપમાં ફસાવી બદનામ કરવામાં આવ્યોઃ મનીષ ખૂંટ
તેમજ અમિત દ્વારા પોપટ સોરઠીયાના મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહને સજાની માફી વિરુદ્ધ અરજી કરેલી હતી. જે અરજીનો ખાર રાખી અનિરુદ્ધસિંહ તેમજ રાજદીપસિંહ તેમજ બે યુવતીઓ દ્વારા ભેગા મળીને અમિતને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમિતને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરવામાં આવ્યો હતો.
સમાજના આગેવાનો બની ફરો છો તો અહીં આવો
પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરીયાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરા સહિતની ટીમ અમારી મદદ માટે આવે. મેં અગાઉ જ કીધું હતું કે રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો. સમાજના આગેવાનો બની ફરો છો તો અહીં આવો અને રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો.
અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનો જ આ ઘટનામાં હાથઃ જેન્તીભાઇ ખૂંટ
મૃતક અમિત ખૂંટના કાકાનું જેન્તીભાઇ ખૂંટએ કહ્યું છે કે, “જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. છોકરીમાં ફસાવી અને કાવતરું કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ નો જ આ ઘટનામાં હાથ છે. અગાઉ પણ આવી ઘટનાઓ રીબડાની અંદર બની છે. અગાઉ પણ આ પ્રકારે ષડયંત્ર રચીને યુવકનું મોત થયું હતું.”