ગુજરાતમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહેશે. ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લામાં ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આ સાથે ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા છે.
10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે
અંબાલાલ પટેલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી કરી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડશે. આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં પણ વધારો થશે. જેના કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી ત્યાં લઘુતમ તાપમાન પણ નોંધાઈ શકે છે. જોકે 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઠંડીનું જોર વધશે
આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ડિસેમ્બર 2024થી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. સમગ્ર કાશ્મીર ખીણમાં હાડ કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુરુવારે રાત્રે કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન સતત નીચું જોવા મળ્યું હતું. શ્રીનગરમાં માઈનસ 4.1 ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં માઈનસ 6.6 ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ હતું.