Ambalal Patel : દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. જેની અસર ગુજરાત (Gujarat) ના વાતાવરણને પણ થઈ રહી છે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી સામે આવી છે. આગાહી અનુસાર આ મહિનાના અંત સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન થઈ શકે છે.
ગુજરાતમાં વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફુંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલના અંતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જાય તેવી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થઈ શકે છે. આમ 30 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં 44થી 45 ડિગ્રી, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં 43થી 44 ડિગ્રી તાપમાન, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 42 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એપ્રિલ મહિનાના અંતમાં રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં ભાર પવન પણ ફૂંકાશે. આ ઉપરાંત આગામી 10 મેથી પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. 10 મેથી પવનની ગતિ વધશે. મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં 10 મેથી 15 જૂન વચ્ચે વાવાઝોડા બનશે. જેના કારણે અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહેશે. ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. ગંગા યમુનાના મેદાન તપે ત્યાર બાદ લો પ્રેશર બની શકે. હવે પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.