Weather Update | ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે (18 એપ્રિલ, 2025) કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઇ રહ્યો છે. તેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડશે.ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળશે.
ધૂળની ડમરીઓ ઉડશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, તારીખ 19 એપ્રિલના રાજ્યમાં કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. તેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગમાં પણ ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં આવતીકાલે બપોર પછી ધૂળની ડમરીઓ ઉડશે.
ગરમીમાં ઘટાડો જોવા મળશે
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધવી જોઈએ, પરંતુ તેના બદલે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. તારીખ 22 બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 40 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. જેમાં 19-20 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન રહેશે. 21 એપ્રિલના રોજ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આ પછી 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.
મે મહિનો તોફાની જોવા મળશે
આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ત્યા સુધી ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp