જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, એજન્સીઓ એલર્ટ મોડમાં છે. યુદ્ધના માહોલ વચ્ચે રાજ્યમાં મોકડ્રીલ (Mock Drill) નુ આયોજન કરાયું છે. 7મીના રોજ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાઈસરણ વેલીમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો, મોટાભાગે પ્રવાસીઓ, માર્યા ગયા, જે ભારતમાં 2008ના મુંબઈ હુમલા બાદનો સૌથી ઘાતક હુમલો ગણાય છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
ભારતે આ હુમલાને પાકિસ્તાન પ્રાયોજિત ગણાવી, વોટર ટ્રીટી સ્થગિત કરી અને અટારી-વાઘા સરહદ બંધ કરી. પાકિસ્તાને આને ‘યુદ્ધની કાર્યવાહી’ ગણાવી, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર નિયમિત ગોળીબારની ઘટનાઓ અને પાકિસ્તાનના પરમાણુ ધમકીઓએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.
બીજી તરફ આ સંદર્ભમાં, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર સ્થળો, શાળાઓ, મોલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય ભીડવાળા વિસ્તારોમાં મોક ડ્રીલ એટલે કે પ્રેક્ટિસ ડ્રીલ યોજવા સૂચનાઓ જાહેર કરી છે. તેનો ઉદ્દેશ્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં સામાન્ય લોકો, સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમોના તાત્કાલિક પ્રતિભાવ અને તૈયારીઓની તપાસ કરવાનો છે.
ગુજરાતના 15 જિલ્લામાં સહિત 244 જિલ્લાઓમાં મોકડ્રીલ
ગુજરાતના 15 જિલ્લામાં સહિત 244 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે. આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
જાન-માલનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ
નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે. યુદ્ધ અને કટોકટી દરમિયાન નાગરિક સંરક્ષણ સંગઠનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં તેઓ આંતરિક વિસ્તારોનું રક્ષણ કરે છે. સશસ્ત્ર દળોને સહાય પૂરી પાડે છે. નાગરિકોને સંગઠિત કરે છે.
1971 બાદ મોકડ્રીલ યોજાશે
આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. આ ડ્રિલનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે, જેમાં બંકરોનો ઉપયોગ, કટોકટીની સ્થિતિમાં સલામતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. LoC પરના ગામોમાં રહેતા લોકો પહેલેથી જ સામુદાયિક બંકરો તૈયાર કરી રહ્યા છે, જે યુદ્ધની આશંકાને દર્શાવે છે.
સાયરન વાગે તો શું કરવું?
– સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં
– તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જાઓ
– ખુલ્લા વિસ્તારોથી દૂર રહો
– ઘરો અને સુરક્ષિત ઈમારતોની અંદર જાઓ
– ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
– અફવાઓથી દૂર રહો, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો
મોકડ્રીલ પ્રક્રિયા કેવી રીતે થાય છે?
પૂર્વનિર્ધારિત સમયે એલાર્મ અથવા ચેતવણી સંભળાવે છે
લોકોને પરિસ્થિતિ શું છે તે કહેવામાં આવે છે – જેમ કે આગ, બોમ્બનો ભય અથવા ભૂકંપ
દરેકને ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે
ફાયર બ્રિગેડ, NDRF, પોલીસ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચે છે
સમગ્ર પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે તેમાં કેટલો સમય લાગ્યો, કઈ ખામીઓ હતી અને શું વધુ સારી રીતે કરી શકાય છે.
સાયરન ક્યાં લગાવવામાં આવશે?
સરકારી મકાન, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણાઓ, શહેરના મોટા બજારો, પિંચ પોઇન્ટ
સિવિલ મોકડ્રીલમાં કોણ કોણ ભાગ લે છે?
જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્થાનિક વહીવટ, સિવિલ ડિફેન્સ વોર્ડન, પોલીસમેન, હોમગાર્ડ્સ, કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)