Air India :- એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે, હવે તેઓ ફ્લાઈટ નંબર 171નો ઉપયોગ નહિ કરે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 અમદાવાદની લંડન જઈ રહી હતી ત્યારે ટેક ઓફની ગણતરીની મીનિટોમાં જ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને હોનારત સર્જાઈ હતી. એવિએશન ઈન્ડસ્ટ્રીની પરંપરા અનુસાર, કોઈ પણ પ્લેન કે ફ્લાઈટ નંબર સાથે જોડાયેલા પ્લેનની મોટી દુર્ઘટના થાય છે, તો તે નામનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 17 જૂનથી હવે અમદાવાદથી લંડન જનારી ફ્લાઈટનું નામ હવે ‘AI-159’ કરી દેવામાં આવ્યું છે. તેને અનુરૂપ બુકિંગ સિસ્ટમમાં મહત્વના ફેરફાર શુક્રવારે જ કરી દેવામાં આવ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ પોતાની ફ્લાઈટ ‘IX-171’ ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઈટના નામનું બદલાવું એ પ્લેનક્રેશની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે સન્માનના સ્વરૂપે પણ જોવા મળે છે.
અગાઉ જ્યારે વર્ષ 2020માં જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ કોઝિકોડમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી ત્યારે 21 યાત્રિકોનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે પણ આ ફ્લાઈટ નંબર કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયા બોઈંગ – 787 વિમાનોની સુરક્ષા DGCAના નિર્દેશ અનુસાર કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 9 બોઈંગ વિમાનની તપાસ પુર્ણ થઈ ગઈ છે. બાકીના 24 વિમાનોની તપાસ સમય મર્યાદામાં પુર્ણ કરવામાં માટે કામ શરૂ છે.
આ કારણોસર ફ્લાઈટ્સના ટાઈમિંગમાં થઈ શકે છે ફેરફાર
એરલાઈને એ પણ જણાવ્યું છે કે તપાસના કારણે કેટલીક વિમાનોના ટેક ઓફ થવામાં મોડું થઈ શકે છે.