Visavadar Election: વિસાવદર ની ચૂંટણી હજી સુધી જાહેર થઈ નથી, પરંતું રાજકીય પાર્ટીઓની સક્રિયતાને લઈને ગુજરાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આપ, ભાજપ-કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતરી છે. કેશુભાઈના ગઢમાં બાપુની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, અને આ ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.
દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી (AICC) ધીરજ ગુર્જર (Dheeraj Gurjar) આજે એક દિવસની જૂનાગઢ (Junagadh) મુલાકાતે પહોંચ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અને કોંગ્રેસના ઉમદેવારને જવાબ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધીરજ ગુર્જરને જૂનાગઢ જિલ્લાના રાજકીય પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને તેમની નિમણૂંક મહત્વની માનવામાં આવે છે.
ધીરજ ગુર્જરે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ કમિટીના નિરીક્ષક મુકુલ વાસનીક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉમેદવારોની પસંદગી કરશે. આ પૂર્વે ઉમેદવારોના નામને લઈને કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ છે. આમ આદમી પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન આજે પણ છે. પરંતુ રાજ્યમાં ગઠબંધનને લઈને હજુ સુધી કોઈ પ્રકારની પ્રક્રિયા આગળ વધી નથી.
કોંગ્રેસ (Congress) પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચોક્કસ પણે લડશે અને તેના માટે કાર્યકરોને પ્રત્યેક બૂથ માટે તૈયારીઓમાં લાગી જવા પણ પ્રદેશ સંગઠન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂપે આવતી કાલે વિસાવદરમાં કોંગ્રેસનું એક મહાસંમેલન પણ યોજવામાં જઈ રહ્યું છે.
જૂનાગઢ આવેલા ધીરજ ગુર્જરે પહલગામ આતંકવાદી હુમલો કેન્દ્ર સરકારની કોઈ ભૂલને કારણે થયો છે, જેના જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસ કમિટીએ સરકારને ખુલ્લું સમર્થન આપ્યું છે એમ જણાવ્યું હતું.