Chandola Lake Demolition: અમદાવાદ (Ahmedabad) ના ઐતિહાસિક ચંડોળા તળાવમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન (Chandola Lake Demolition) કરવામાં આવ્યું, સોમવારથી શરૂ થયેલું ડિમોલિશન આજે પણ યથાવત રહ્યું, ગઈકાલે નાના-મોટા 1500 દબાણો તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળાની ઝૂંપડપટ્ટીની અંદર જુઓ તો, મુંબઈની ધારાવી ઝૂપડપટ્ટીની યાદ તાજા કરાવી દે. અંદરોઅંદર એટલી ગલી કે, માણસ ભૂલભુલૈયામાં હોય તેવો અહેસાસ થાય.
ડિમોલિશન દરમિયાન એક નામ સામે આવ્યું લલ્લા બિહારીનું. કોર્પોરેશન જેમ જેમ કામગીરી કરતી ગઇ તેમ એક પછી એક લલ્લા બિહારીની કાળી કરતૂત બહાર આવતી ગઇ. બાંગ્લાદેશીઓના એપી સેન્ટર સમાન ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં કુખ્યાત લલ્લા બિહારીએ આખાય વિસ્તારમાં નેટવર્ક કેવી રીતે ઊભું કર્યું તેને લઇ લોકોમાં સવાલો થવા માંડ્યા. બીજી સ્થાનિકો કહી રહ્યાં છે કે, ખાખી વર્દીના સહારે જ લલ્લા બિહારીએ સમગ્ર વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ કરવા માંડી હતી.
ચંડોળા તળાવમાં માટી પુરાણ કરી લલ્લા બિહારીએ દુકાનો, મકાનો, ઝુંપડા, પાર્ટી પ્લોટ, ગોડાઉન બનાવી ભાડા વસુલતો હતો. ત્યારે સવાલ એ છે કે, ચંડોળા તળાવની આસપાસ એકહથ્થુ શાસન જમાવનારાં લલ્લા બિહારી પર કોના છૂપા આશિર્વાદ છે. અત્યાર સુધી એને ઉની આંચ આવી નથી. હવે જ્યારે બાંગ્લાદેશી ઘૂષણખોરોનો મુદ્દો ચગ્યો છે ત્યારે ખાખી વર્દીને પણ કામગીરી દેખાડવાનું શૂરાતન ઉપડ્યુ છે.
બિહાર, બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી ગરીબ મજૂરો રોજી મેળવવા ગુજરાત આવે છે. આ બધાય લોકો માટે ચંડોળા આસપાસનો વિસ્તારએ એપી સેન્ટર સમાન છે. જ્યાં ઓછા પૈસામાં રહેઠાણનું સ્થળ મળી રહે છે.
ચંડોળા તળાવની આસપાસ ગેરકાયેદ ઝૂંપડા-મકાનોમાં જો વીજળી જોઈએ તો લલ્લા બિહારી પાસે જ જવું પડે. જો પાકું મકાન જોઈએ તો 3 લાખ રૂપિયા અને ઝૂંપડું ખરીદવું હોય તો 30-50 હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાય છે.
વીજ કનેક્શનના 500, પાણીના 20 રૂપિયા
વીજ કનેકશનના મહિને 500 રૂપિયા ભરવા પડે. બારોબાર વીજચોરી કરીને ઝૂંપડા-મકાનોને વીજળી પુરી પાડવાનું કામ પણ લલ્લાખાનના માણસો કરી રહ્યાં છે. આખાય વિસ્તારમાં પાણીનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં પાણીના બોર બનાવવામાં આવ્યાં છે. આ બોરનું પાણી વેચવામાં આવી રહ્યુ છે. લલ્લા બિહારીના એજન્ટો પાણીના રોજના 20 રૂપિયા લેખે પૈસા ઉઘરાવે છે. પાણી કનેક્શનના પૈસા તો અલગ ભરવાના. ઝૂંપડાવાસી-મકાનોમાં રહેતાં ગરીબ મજૂર વર્ગના લોકો લાઇટ-પાણી માટે મજબૂરવશ બની લલ્લા બિહારીને પૈસા ચૂકવી રહ્યાં હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યાં છે.