Ahemdabad News: અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાના cctv આવ્યા સામે
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી મુજબ બાળકી સ્કૂલની લોબીમાં ઉભેલી જોવા મળે છે. ત્યારે તેમની સાથેના વિદ્યાર્થીઓ આગળ જતા દેખાઈ રહ્યા છે. જો કે, ગાર્ગી ત્યાની ત્યા જ ઉભી રહે છે. જે બાદ તે થોડીવાર પછી થોડી આગળ ચાલે છે અને પછી અચાનક લોબીમાં રહેલી ખુરશી પર બેસી જાય છે. જો કે, તેમની સામે જ અન્ય ટીચર વાતો કરતા જોવા મળે છે. પરંતુ તેમનું ધ્યાન પડતુ નથી. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગાર્ગીને જોઈ જાય છે અને તેમની પાસે આવે છે.
બાળકીના માતાપીતા મુંબઈમાં રહે છે
આ બાળકી અમદાવાદ (Ahemdabad) માં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. બાળકીના માતા-પિતા હાલ મુંબઈ છે અને તેને જાણ કરાઈ છે. આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે. તેથી તેની માતા પણ હાલ ત્યાં જ હતા. જોકે, અમે ફોન કરતા તેના દાદા અને ફઇ પહેલાં જ ત્યાં આવી ગયા હતા. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી. તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો.