Ahmedabad: ‘ન્યાય થયો’, બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો કોંગ્રેસનો એજન્ડા નિષ્ફળ ગયો છેઃ હર્ષ સંઘવી

ahmedabad Harsh Sanghavi Congress agenda fail to keeping infiltrators safe

Ahmedabad News: જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરાઈ હતી. આજે સવારથી જ ચંડોળામાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચંડોળા પહોંચ્યા હતાં અને તેમણે સમગ્ર કાર્યવાહીની માહિતી મેળવી હતી. ત્યાર બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા છે અને તેમણે પણ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મેળવી હતી. તે ઉપરાંત થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ હર્ષ સંઘવીએ ડિમોલિશન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી અટકાવવા કોંગ્રેસના પ્રયાસનો આક્ષેપ કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો છે. કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવતી અરજી હાઈકોર્ટે ફગાવી છે. ન્યાય થયો! બાંગ્લાદેશીઓ/પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે.

50-60 ટકા જેટલા ઝૂંપડા હટાવ્યા: ડે.મ્યુનિ.કમિશનર
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, ગેરકાયદે બાંધકામો તોડવાની 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે.કેટલાં બાંધકામ તૂટ્યા તેનો અંદાજ અમે અત્યારે આપી શકીએ એમ નથી. પરંતુ 1500થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંની 50 થી 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

સરકારની કાર્યવાહીને કોંગ્રેસનું સમર્થન
ચંડોળા તળાવ ફરતેના મેગો ડિમોલિશનનો મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાની પ્રતિક્રિયા આપ્યું છે. સરકારની કાર્યવાહીને કોંગ્રેસે સમર્થન કરીને કહ્યું કે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિપોર્ટ કરવા જોઈએ. ચંડોળા તળાવ ફરતે ભારતીય અને ગુજરાતી નાગરિકો પણ રહે છે, તેમને સરકારે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અમદાવાદમાં તળાવો ફરતે સરકારી જમીન પર 16થી વધુ ગેરકાયદેસર વસાહતો બંધાઈ ગઈ.

DGP વિકાસ સહાયે ડિમોલિશનનું નિરીક્ષણ કર્યું
અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા પહોંચ્યા હતાં અને સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. હવે રાજ્યના પોલીસ વડા ચંડોળા પહોંચ્યા છે. પોલીસવડા વિકાસ સહાયે ચંડોળા તળાવ ખાતે પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ચંડોળા તળાવ ડીમોલિશન કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

અરજદારે શું કહ્યું
અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ છે. ત્યારે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ મામલે કરતા હાઇકોર્ટે આ અરજી નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.

અરજદારના વકિલે શું કહ્યું
અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જો કે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે શોક આપવા જેવા કાર્યો કરે છે.

ચંડોળા તળાવ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટઃ સરકાર
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રજૂઆત કરી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન, અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડ્રિંગ જેવા ગુનાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા.

1.25 લાખ સ્કેવર મીટર જગ્યા ખાલી કરાશે
આ અતિક્રમણમાં ત્રણ હજારથી વધુ કાચા પાકા મકાન અને ઝૂંપડાઓ પર બુલડોઝરથી ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ ડિમોલિશનમાં 1.25 લાખ સ્કેવર મીટર જગ્યા ખાલી કરવામાં આવશે. અહીં સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, ચંડોળા વિસ્તારમાં 40 JCB, 60 ડમ્પર, 1000 પોલીસ કર્મી તૈનાત

આ પણ વાંચોઃ Ahmedabad: કોણ છે ‘મીનીબાંગ્લાદેશ’નો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે ઊભુ કર્યું કરોડોનું સામ્રજ્ય જાણો…

આ પણ વાંચોઃ Ahmedabad: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદે વીજ જોડાણ કપાયા


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top